Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

ડોક્‍ટર દર્દીને સ્‍પર્શ કર્યા વગર સારવાર આપી શકે નહી

હાઈકોર્ટે પત્‍નીને ખોટા ઈરાદાથી સ્‍પર્શવાનો આરોપ લગાવીને ડોક્‍ટરની પીટાઈ કરનારા આરોપી પતિને જામીન આપવાની સ્‍પષ્ટ ના પાડી દીધી

કોચી, તા.૧: કેરળ હાઈકોર્ટે પત્‍નીને ખોટા ઈરાદાથી સ્‍પર્શવાનો આરોપ લગાવીને ડોક્‍ટરની પીટાઈ કરનારા આરોપી પતિને જામીન આપવાની સ્‍પષ્ટ ના પાડી દીધી. કોર્ટે કહ્યું કે સારવાર સમયે ત્‍યાં નર્સો પણ હાજર હતી. દર્દીને સ્‍પર્શ્‍યા વગર ડોક્‍ટર તેની સારવાર કરી શકે નહીં. જો દર્દી સારવાર દરમિયાન ડોક્‍ટરના સ્‍પર્શ કરવાથી પરેશાન થાય તો ડોક્‍ટરને પોતાના વ્‍યવસાયમાં આગળ વધવામાં પરેશાની થશે.

આ મામલાની સુનાવણી જસ્‍ટિસ એ બદરૂદ્દીનની સિંગલ બેન્‍ચે કરી. તેમણે કહ્યું કે આવા કેસમાં આગોતરા જામીન  આપવાથી ખતરનાક સ્‍થિતિ પેદા થશે. જે ડોક્‍ટરોની સુરક્ષા અને હેલ્‍થકેર માટે જોખમ બની શકે છે.

આ મામલો ૮ જાન્‍યુઆરી ૨૦૨૨નો છે. એક વ્‍યક્‍તિ તેની પત્‍નીની સારવાર કરાવવા માટે કેરળની એક હોસ્‍પિટલમાં ગયો હતો. ત્‍યાં તેણે પત્‍નીનું ચેકઅપ કરનારા પુરુષ ડોક્‍ટરને થપ્‍પડ  મારી અને તેમનો કોલર પકડી લીધો. વ્‍યક્‍તિનું કહેવું છે કે ડોક્‍ટરે તેની પત્‍નીને ખોટા ઈરાદે સ્‍પર્શ કર્યો. તેણે ડોક્‍ટર પર આ મામલે કેસ દાખલ કર્યો છે. આરોપી પતિનું કહેવું છે કે ડોક્‍ટર તે સમયે ઓન કોલ ડ્‍યૂટી કરી રહ્યો હતો. તેણે દર્દી (આરોપી પત્‍ની) ને મલિન ઈરાદાથી સ્‍પર્શ કર્યો.

બીજી બાજુ હોસ્‍પિટલે આરોપી પતિ વિરુદ્ધ ડોક્‍ટર સાથે મારપીટ કરવાની કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલે આગોતરા જામીન માટે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટમાં અરજીકર્તાના વકીલોએ કહ્યું કે તેમના અસીલ પર લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે.

કોર્ટમાં ડોક્‍ટર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ પી જી મનુએ કહ્યું કે અરજીકર્તાનો ક્રાઈમ રેકોર્ડ છે. આરોપી પહેલા પણ ડોક્‍ટરો સાથે ગેરવર્તણૂંક કરી ચૂકયો છે. આ કેસમાં ડોક્‍ટર તેની પત્‍નીની તપાસ કરી રહ્યા હતા. પરંતુ આરોપીએ તેમના પર  ખોટા આરોપ લગાવીને મારપીટ કરી.

બંને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ કોર્ટે કહ્યું કે ડોક્‍ટર સ્‍પર્શ કર્યા વગર દર્દીની સારવાર કરી શકે નહીં. આ પ્રકારના વાસ્‍તવિક કેસોને નજરઅંદાજ કરી ન શકાય. જો કે કોઈ પણ ડોક્‍ટરને પોતાની મર્યાદા ઓળંગીને દર્દી સાથે ખરાબ વ્‍યવહાર કરવાનો હક નથી. આ કેસમાં આરોપીને જામીન આપવા એ ડોક્‍ટરોની સુરક્ષા માટે જોખમ બનશે.

(4:02 pm IST)