Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

હોસ્‍પિટલમાં માતા સાથે સૂતેલા એક માસના બાળકને કૂતરાં ખેંચી ગયાઃ પેટ અને હાથ ખાઈ જતા મોત

રાજસ્‍થાનના સિરોહીમાં આવેલા સરકારી હોસ્‍પિટલમાં એક માસના બાળક પર કૂતરાં દ્વારા હુમલો કર્યાની ઘટના બની છે

જયપુર, તા.૧: સરકારી હોસ્‍પિટલમાંથી કૂતરાં માતા સાથે સૂઈ ગયેલા બાળકને ખેંચી ગયા હતા, આ પછી બાળકનો પેટનો ભાગ અને એક હાથ ખાઈ જતા તેનું કરૂણ મોત થઈ ગયું છે. માતા બાળકને લઈને વોર્ડમાં સૂતી હતી ત્‍યારે આ ઘટના બની હતી. આ ઘટના માઉન્‍ટ આબુ પાસેના ગામ સિરોહીમાં બની છે જ્‍યાં માતા સરકારી હોસ્‍પિટલમાં પોતાના ૧ મહિનાના બાળક સાથે સૂતી હતી.

સિરોહીમાં બનેલી ઘટનામાં રાત્રે માતાની આંખ ખુલી તો જોયું કે બાળક પોતાની પાસે નહોતું. બાળકની તપાસ કરી તો વોર્ડની બહાર પાણી ટાંકી પાસે કેટલાક કૂતરાં તેને ખાઈ રહ્યા હતા. મહિલા કૂતરાં પાસે દોડીને ગઈ ત્‍યારે કૂતરું બાળકનો હાથ પોતાના મોઢામાં નાખીને ભાગતો દેખાયો હતો. કૂતરાંએ બાળક પર હુમલો કરીને તેને મારી નાખ્‍યું હતું. હોસ્‍પિટલમાં સીસીટીવી લાગે છે પરંતુ હજુ સુધી ઘટનાના વીડિયો સામે આવ્‍યા નથી.

મળતી વિગતો -માણે સિરોહીના પિંડવાડામાં રહેતા મહેન્‍દ્ર મીણા (૪૦) સિલિકોસિસ બીમારીથી પીડિત છે. મહેન્‍દ્રની ટીબી હોસ્‍પટલમાં સારવાર ચાલે છે. સોમવારે રાત્રે તેમના પત્‍ની રેખા બેડ પાસે જમીન પર ૧ દીકરી અને બે દીકરાને લઈને સૂતી હતી. આ દરમિયાન કૂતરાં તેમના દીકરા વિકાસને ઉપાડીને લઈ ગયા હતા. રાત્રે ૧.૩૦ વાગ્‍યે રેખાની આંખ ખુલી તો જોયું કે બાળક ગાયબ હતું. આ પછી તેણે તાત્‍કાલિક બાળકને શોધવાનું શરુ કર્યું હતું.

બાળક પર કૂતરાના હુમલાની ઘટના સામે આવ્‍યા બાદ આ મામલે ભારે હોબાળો થઈ રહ્યો છે. મંગળવારે સવારે ૧૦ વાગ્‍યે બાળકનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું અને પછી ૧૧.૩૦ વાગ્‍યે તેની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી, આ દરમિયાન બાળકીની માતા તથા તેના ભાઈ-બહેન હાજર રહ્યા હતા.

ડૉક્‍ટરે જણાવ્‍યું કે જ્‍યારે બાળક કૂતરાઓ પાસેથી મળ્‍યું ત્‍યારે તેનું પેટ અને એક હાથ નહોતો. હાલ આ મામલે વધારે તપાસ કરવામાં આવી રહી હોવાનું ડૉક્‍ટરે જણાવ્‍યું છે. આ મામલે હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે.

ભાજપ દ્વારા રાજસ્‍થાનમાં હોસ્‍પિટલ તંત્ર સંપૂર્ણ રીતે નિષ્‍ણફ હોવાના આક્ષેપ લગાવ્‍યા છે. હોસ્‍પિટલમાં કૂતરાં ફરી રહ્યા છે અને કોઈ સુવિધા ન હોવાનું પણ જણાવ્‍યું છે. સિરોહી ભાજપ જિલ્લા ઉપાધ્‍યક્ષ નારાયણ દેવાસીએ સવાલ ઉઠાવ્‍યો છે કે, મુખ્‍યમંત્રી અને અહીંના સ્‍થાનિક ધારાસભ્‍ય કહે છે કે અમે હોસ્‍પિટલોને બદલી નાખી છે. એક બાળકને કૂતરા મારી નાખે છે તો વ્‍યવસ્‍થા કયાં છે?

(12:07 pm IST)