Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

૨૦૨૪ની ચૂંટણીમાં મોદીને હરાવવા અશક્‍ય

રાજકીય વિષ્‍લેષકોનો મત :વિપક્ષ પાસે વિઝનનો અભાવ : મોદીની પોતાની મજબુત વોટબેંક છે

નવી દિલ્‍હી,તા. ૧: તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીના ૮૫મા અધિવેશનમાં મહાગઠબંધન બનાવવાનો પ્રસ્‍તાવ પસાર કરવામાં આવ્‍યો છે ત્‍યારે સવાલ એ થાય છે કે શું વિરોધ પક્ષો મહાગઠબંધન રચીને પણ ભાજપને પછાડી શકશે? રાજકીય નિષ્‍ણાતોની વાત માનીએ તો એમ લાગે છે કે ૨૦૨૪માં ભાજપને હરાવવું અશક્‍ય છે. એના કેટલાક કારણો પણ છે. ભારતની રાષ્ટ્રીય સ્‍તરની રાજનીતિમાં ઘણો ફેરફાર થયો છે અને ભાજપ એમાં ઘણો આગળ નીકળી ગયો છે. તેનો જનાધાર પણ ઘણો વધી ગયો છે અને તેનો દબદબો પણ વધારે છે. ૧૯૮૯થી ૨૦૧૪ દરમિયાન ભારતીય રાજનીતિમાં ગઠબંધનનો તબક્કો આવ્‍યો હતો. એ સમયે ભાજપે શાંતિથી પોતાનો જનઆધાર વધાર્યો. હિંદુત્‍વ અને રાષ્ટ્રવાદના સૂત્ર પર તેણે મજબૂત વોટબેન્‍ક બનાવી લીધી. ૨૦૧૯માં મજબૂત વિરોધી ગઠબંધન હોવા છતાં પણ ભાજપે ઝળહળતી જીત મેળવી હતી, એ તેનો બોલતો પુરાવો છે. યુપીમાં બસપા અને સપા, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ, ઝારખંડમાં કોંગ્રેસ અને જેએમએમ, જેવીએમ ભાજપને હરાવવા સાથે આવ્‍યા હતા , તેમ છતાં ભાજપે બધાને માત આપી હતી. ભાજપ વિરોધી મહાગઠબંધન પેપર પર તો ઘણું મજબૂત લાગે છે, પણ આ મહાગઠબંધન પોતાના માટે જ ઘાતક સાબિત થઇ શકે છે.

જનતાને ખ્‍યાલ આવી ગયો છે કે તમામ તકવાદી પક્ષો પોતાનું હિત સાધવા ભેગા થયા છે. જનતા જનાર્દનની પરવા કોઇ કરવાનું નથી. ગઠબંધન પાસે કોઇ વિઝન જ નથી. આવા સંજોગોમાં ગમે તેવું મહાગઠબંધન પણ પડી ભાંગી શકે છે. આ ઉપરાંત મોદીની પોતાની પણ વોટબેન્‍ક છે. લોકો મોદીના નામ પર વોટ આપે છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં લગભગ એક તૃતીયાંશ લોકોએ જણાવ્‍યું હતું કે જો મોદી પીએમનો ચહેરો ના હોત તો તેમણે ભાજપને મત ના આપ્‍યો હોત. ૨૦૦૪ની ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી અને કોંગ્રેસ સત્તા પર આવી હતી. એ સમયે અટલ-અડવાણીની જોડી હતી. હવે મોદી-શાહની જોડી છે. વિપક્ષને તેમની ભાષામાં જ જવાબ આપનાર મોદી-શાહને ૨૦૨૪ની ચૂંટણીમાં હરાવવા લગભગ અશક્‍ય જ છે એવું રાજકીય વિષ્‍લેષકો માને છે.

(10:58 am IST)