Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

તુર્કીમાં ચમત્‍કાર! ૨૧ દિવસ બાદ કાટમાળમાંથી ઘોડો જીવતો નીકળ્‍યો

૬ જાન્‍યુઆરીના શક્‍તિશાળી ભૂકંપથી, આ ક્ષેત્રમાં લગભગ ૧૦,૦૦૦ આફટરશોક્‍સ આવ્‍યા છે : ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં અત્‍યાર સુધીમાં ૪૮,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા છે, જયારે હજારો ઈમારતો ધ્‍વસ્‍ત થઈ ગઈ છે

અદિયામન,તા.૧: આ મહિનાની શરૂઆતમાં તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપના ૨૧ દિવસ બાદ અદિયામાન શહેરમાં એક ઈમારતના કાટમાળમાંથી એક ઘોડો જીવતો મળી આવ્‍યો છે. તાંસુ યેગન નામના યુઝરે ટ્‍વિટર પર એક ક્‍લિપ શેર કરી છે, જેમાં સ્‍વયંસેવકોની એક ટીમ કાટમાળમાંથી આ ઘોડાને બહાર કાઢતી જોવા મળી રહી છે.

આ વિડિયો શેર કરતાં તેણે લખ્‍યું, ‘અદ્‌ભુત, અદ્‌ભુત, અદ્‌ભુત અદિયામાનમાં ભૂકંપના ૨૧ દિવસ પછી, ટીમે બિલ્‍ડિંગના કાટમાળમાં જીવતા મળી આવેલા ઘોડાને બચાવ્‍યો.'

જણાવી દઈએ કે ૬ ફેબ્રુઆરીએ તુર્કીમાં આવેલા શક્‍તિશાળી ભૂકંપ બાદ અદિયામાનને ઘણું નુકસાન થયું હતું. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આફટરશોક હજુ પણ અનુભવાઈ રહ્યા છે. અહીં દેશના દક્ષિણ ભાગમાં સોમવારે ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો હતો, જેને આફટરશોક માનવામાં આવે છે.

આ તાજેતરના ભૂકંપમાં એક વ્‍યક્‍તિનું મૃત્‍યુ થયું હતું, જયારે કેટલીક ઇમારતો જે પહેલેથી જર્જરિત હતી તે જમીન પર ધસી ગઈ હતી. દેશની ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એજન્‍સી એએફએડીના વડા યુનુસ સેઝરે જણાવ્‍યું હતું કે સોમવારના ભૂકંપનું કેન્‍દ્ર માલત્‍યા પ્રાંતના યેસિલ્‍ટર શહેરમાં હતું. આ ભૂકંપમાં ૬૯ લોકો ઘાયલ થયા હતા, જયારે બે ડઝનથી વધુ ઈમારતો ધરાશાયી થઈ હતી.

તમને જણાવી દઈએ કે ભૂકંપને કારણે તુર્કી અને સીરિયામાં અત્‍યાર સુધીમાં ૪૮,૦૦૦ થી વધુ લોકોના જીવ ગયા છે. ૬ જાન્‍યુઆરીના શક્‍તિશાળી ભૂકંપથી, આ ક્ષેત્રમાં લગભગ ૧૦,૦૦૦ આફટરશોક્‍સ આવ્‍યા છે.

(10:57 am IST)