Gujarati News

Gujarati News

News of Wednesday, 1st March 2023

LICનો શેર રેકોર્ડ બ્રેક નીચલી સપાટીએ IPO સ્‍તરથી ૪૦ ટકાનો ઘટાડો

એલઆઈસીનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે ૧૨માં સ્‍થાને પહોચ્‍યું

નવી દિલ્‍હી તા. ૨૮ : અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડા વચ્‍ચે ઈન્‍સ્‍યોરન્‍સ કંપની લાઈફ ઈન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (LIC)ના શેર રેકોર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચ્‍યા હતા.

LICનો શેર ૨.૯ ટકા ઘટીને રૂ. ૫૬૭.૮ પર બંધ થયો હતો. કંપનીના માર્કેટ વેલ્‍યુએશનમાં IPO સ્‍તરથી ૪૦ ટકા એટલે કે રૂ. ૨.૪ લાખ કરોડનો ઘટાડો થયો છે. LICના શેરમાં ગયા મહિને ૧૫ ટકાનો ઘટાડો થયો હતો, જે મેગા-કેપમાં સૌથી વધુ છે. એલઆઈસીનું એમકેપ લિસ્‍ટિંગ સમયે ૬ઠ્ઠા સ્‍થાનેથી હવે ૧૨માં સ્‍થાને પહોંચી ગયું છે. અદાણી ગ્રૂપના શેર્સ એલઆઈસીના ઈક્‍વિટી પોર્ટફોલિયોમાં એક ટકા કરતા પણ ઓછા હિસ્‍સો ધરાવતા હોવા છતાં, બજારે તેના શેરને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડ્‍યું છે.

૩૧ જાન્‍યુઆરીના રોજ, અદાણીની કંપનીઓમાં ઇક્‍વિટી અને ડેટના સ્‍વરૂપમાં LICનું હોલ્‍ડિંગ રૂ. ૩૬,૦૦૦ કરોડથી ઓછું હતું. વીમા કંપનીએ જણાવ્‍યું હતું કે ઇક્‍વિટી ખરીદીનું મૂલ્‍ય રૂ. ૩૦,૧૨૭ કરોડ હતું. અદાણીના શેરમાં સતત ઘટાડાને પગલે એલઆઈસીના હોલ્‍ડિંગનું મૂલ્‍ય એક્‍વિઝિશન કોસ્‍ટ કરતાં નીચે ગયું છે, જેના કારણે ચિંતા વધી છે. વિશ્‍લેષકોએ જણાવ્‍યું હતું કે અદાણી ગ્રૂપના શેર્સમાં એલઆઈસીના રોકાણથી પેદા થયેલા નકારાત્‍મક સેન્‍ટિમેન્‍ટને કારણે રોકાણકારો એલઆઈસીના બિઝનેસ પર અસર અંગે ચિંતિત છે. આ સિવાય તેમનું કહેવું છે કે સરકારી ડિસઇન્‍વેસ્‍ટમેન્‍ટના મામલે LICનો સતત દુરૂપયોગ થઈ રહ્યો છે. હાલમાં, એલઆઈસીમાં સરકારનો હિસ્‍સો ૯૬.૫ ટકા છે અને રિટેલ ભાગીદારી લગભગ ૨ ટકા છે. દરમિયાન, વિદેશી ફંડ્‍સ તેમાં માત્ર ૦.૧૭ ટકા હિસ્‍સો ધરાવે છે. આવી સ્‍થિતિમાં, એલઆઈસીના મૂલ્‍યમાં ઘટાડો સરકાર અને નાગરિકોને અન્‍ય કોઈ કરતાં વધુ નુકસાન પહોંચાડી રહ્યો છે.

(12:00 am IST)