Gujarati News

Gujarati News

News of Saturday, 1st February 2020

કોરોનાવાયરસઃ વુહાનથી ૩૨૪ ભારતીયો દિલ્હી પહોંચ્યા

સેનાની દેખરેખ હેઠળ રખાશેઃ વિમાનમાં ૫ ડોકટર્સની ટીમ અને પેરામેડિકલ પર હાજર

નવી દિલ્હી,તા.૧:કોરોના વાઈરસના ડરની વચ્ચે ચીનના વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું ડબલ ડેકર જંબો ૭૪૭ વિમાન ભારત આવવા રવાના થઈ ગયું છે. ૪૨૩ યાત્રાઓની ક્ષમતા વાળા બોઈંગ બી-૭૪૭ના ખાસ વિમાને શુક્રવારે મોડી રાતે વુહાનથી ઉડાન ભરી છે. આ વિમાનમાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલના ૫ ડોકટર્સની ટીમ પણ હાજર છે. આ સિવાય વિમાનમાં પેરા મેડિકલ સ્ટાફ છે. જેમની પાસે જરૂરી દવાઓ, માસ્ક, ઓવરકોટ અને પેક કરેલુ ભોજન છે. આ સિવાય એન્જિનિયર્સ અને સુરક્ષા અધિકારીઓની એક ટીમ પણ વિમાનમાં હાજર છે. આ વિમાન શનિવારની સવારે ભારત પહોંચી ગયું છે.

બીજી બાજુ ચીનમાં કોરોના વાઈરસના કારણે મૃતકોની સંખ્યા ૨૫૯ થઈ ગઈ છે. જયારે ૧૧,૭૯૧ લોકોને ઈન્ફેકશન થયું છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે શનિવારે આ વિશે માહિતી આપી છે. આયોગે કહ્યું છે કે, ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી સ્વાસ્થય આયોગે ૩૧ શહેરોમાં ૧૧,૭૯૧ લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેકશન થયું હોવાની માહિતી આપી છે. જેમાં ૧,૭૯૫ લોકોની હાલત ગંભીર છે. ૧૭,૯૮૮થી વધારે લોકો શંકાસ્પદ નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના વાઈરસના ૨,૧૦૦ નવા કેસ સામે આવ્યા છે.આરોગ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સંજીવ કુમારે ગઈ કાલે જણાવ્યું હતું કે ચીનથી ૩૬૬ લોકો શનિવારે ભારત પરત લાવવામાં આવશે. પરત આવેલા લોકોને સાવચેતીના ભાગરૂપે ૧૪ દિવસ સુધી દિલ્હી સ્થિત છાવણીમાં આવેલ ITBP સેન્ટરમાં રાખવામાં આવશે.સફદરજંગ હોસ્પિટલમાં પણ ગંભીર રીતે બિમાર લોકો માટે અલગથી ૫૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિયાણાના માનેસરમાં પણ ચીનથી પરત આવનારા ભારતીયો માટે શિબિર તૈયાર કરવામાં આવી છે. આ શિબિર ભારતીય સેનાએ તૈયાર કરી છે. તેમાં લગભગ ૩૦૦ વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા છે. અહીં ડોકટર્સની એક ટીમ અને સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં આ વિદ્યાર્થીઓને રાખવામાં આવશે. દરેકને બે તબક્કામાંથીપસાર થવું પડશે. પહેલાં તબક્કામાં દરેકનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવશે અને પછી તેમને માનેસર શિબિર લઈ જવામાં આવશે. જો કોઈને કોરોના વાઈરસનું ઈન્ફેકશન હશે તો તેમને દિલ્હી કેન્ટ બેઝ હોસ્પિટલ લઈ જવામાં આવશે.

(10:34 am IST)