Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

SBI ની સુરક્ષા સિસ્ટમમાં ચૂક, લાખો ગ્રાહકોનો ડેટા લીક થઈ શકે!

નવી દિલ્હી, તા.૩૧: જો તમારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. એક એવો મામલો સામે આવ્યો છે જેમાં લાખો એકાઉન્ટ હોલ્ડર્સની એકાઉન્ટ વિગતો કોઈ પણ વ્યકિત જોઈ શકે છે. અમેરિકન વેબસાઇટ Techcrunchના એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે SBIનું બેંક સર્વર પાસવર્ડ વગરનું હતું, જેના કારણે લાખો લોકોની એકાઉન્ટ ડિટેઇલ્સ જોઈ શકાતી હતી.એસબીઆઈનું સર્વર મુંબઈ બેઝડ ડેટા સેન્ટરમાં આવેલું છે, જેમાં SBI Quick નો બે મહિનાનો ડેટા રાખવામાં આવ્યો છે. SBI Quick એક એવી સિસ્ટમ છે જેના માધ્યમથી ખાતા ધારકોને ટેકસ્ટ મેસેજ અને કોલના માધ્યમથી એકાન્ટ અંગેની જાણકારી આપવામાં આવે છે. જોકે, આ સર્વરને બેંકે કોઈ પાસવર્ડથી સુરક્ષિત રાખ્યું ન હતું, જેના કારણે તેને કોઈ પણ એકસેસ કરી શકતું હતું જેને જાણકારી હોય કે ડેટા કયાંથી એકસેસ કરી શકાય છે.

આ સર્વર કેટલા દિવસથી પાસવર્ડ વગરનું હતું તેની કોઈ જ જાણકારી રિપોર્ટમાં આપવામાં આવી નથી. એક સુરક્ષા સંશોધકને તેનું સર્વર પાસવર્ડ વગરનું માલુમ પડ્યું હતું અને આ અંગની જાણકારી Techcrunchને આપી હતી. જોકે, તેણે પોતાનું નામ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

(3:35 pm IST)