Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

વાહ ભૈ વાહ...દેશભરમાં મહિલા મતદારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો

લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવશેઃ મહારાષ્‍ટ્ર અને તામિલનાડુ જેવા મોટા રાજ્‍યોમાં મહિલા મતદારોની સંખ્‍યા પુરૂષ મતદારો કરતા આગળ થઈ ગઈ

નવી દિલ્‍હી, તા. ૧ :. દેશમાં સામાન્‍ય ચૂંટણી પહેલા મહિલા મતદારોની વધેલી સંખ્‍યા સારી તસ્‍વીર રજુ કરી રહી છે. મહારાષ્‍ટ્ર અને તામીલનાડુ જેવા મોટા રાજ્‍યોના આંકડા ઉપર નજર નાખીએ તો જણાય છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં મહિલાઓ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે. તામીલનાડુમાં તો મહિલા મતદારોની સંખ્‍યા પુરૂષ મતદારોથી આગળ થઈ ગઈ છે. આ આંકડા દેશભરમાં લિંગાનુપાતમાં સુધારો થવાની તસ્‍વીર પેશ કરે છે.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન કેરળ, અરૂણાચલ, મણીપુર, મેઘાલય, મિઝોરમ અને પોન્‍ડીચેરીમાં મહિલા મતદારોની સંખ્‍યા પુરૂષ મતદારોથી વધુ હતી. છેલ્લા આંકડા અનુસાર તામીલનાડુમાં વર્તમાન ૫.૯૧ કરોડ મતદારોમાં ૨.૯૮ કરોડ મહિલાઓ અને ૨.૯૨ કરોડ પુરૂષ મતદારો છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલા મતદારોની સંખ્‍યામાં ૧૧ ટકાનો જ્‍યારે પુરૂષ મતદારોની સંખ્‍યામાં ૮.૫ ટકાનો વધારો થયો છે.

મહારાષ્‍ટ્રમાં મહિલા અને પુરૂષ મતદારોની વચ્‍ચેનું અંતર ઘણુ ઘટી ગયુ છે. આંકડાઓ અનુસાર ૧૩ લાખ નવી મહિલા મતદારો નોંધાય છે. કુલ ૮.૭૩ કરોડ મતદારોમાં ૪.૫૭ કરોડ પુરૂષ અને ૪.૧૬ કરોડ મહિલાઓ છે. ૨૦૧૪માં પ્રતિ એક હજાર પુરૂષ મતદારોના મુકાબલે રાજ્‍યમાં ૯૦૫ મહિલાઓ હતી જે આ વખતે વધીને ૯૧૧ની થઈ છે. ૨૦૧૪ પહેલા આ આંકડો ૮૭૫નો હતો.

છેલ્લા દાયકામાં લગભગ તમામ રાજ્‍યોમાં મહિલા મતદારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો જોવાયો છે. ૧૯૬૦માં પ્રતિ ૧૦૦૦ પુરૂષ મતદારોના મુકાબલે ૭૧૫ મહિલાઓ હતી. ૨૦૦૦ સુધી આ આંકડામાં વધારો થયો અને તે વધીને ૮૮૩ થઈ હતી. ૨૦૧૧માં પ્રતિ ૧ હજાર પુરૂષ મતદારોના મુકાબલે દેશમાં મહિલા મતદારોની સંખ્‍યા ૯૪૦ હતી. ૨૦૧૪ દરમિયાન કેરળમાં મહિલા મતદારોની સંખ્‍યા પુરૂષ મતદારોની સંખ્‍યાથી વધુ હતી. જ્‍યારે આંધ્ર, કર્ણાટક અને તામીલનાડુમાં લગભગ સમાન હતી.

૧૯૭૧થી અત્‍યાર સુધી મહિલા મતદારોની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. જે ચૂંટણી પંચના અભિયાનોનુ પરિણામ છે. દેશના અનેક વિસ્‍તારોમાં કામને કારણે પલાયન થઈ જનાર લોકો મત દેવા આવતા ન હતા.

(10:49 am IST)