Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ખેડૂતોથી લઇને ઇન્ફ્રા સુધી બધા ઉપર ખાસ ધ્યાન રહ્યું

બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયાઃ ગ્રામીણ ભારત માટે બજેટ ક્રાંતિકારી છે : ૧૪.૫૦ લાખ કરોડ માત્ર ગામો માટે ફાળવાયા : રેલવેમાં સારા પગલા

નવીદિલ્હી,તા. ૧, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને તમામ માટે ઉપયોગી તરીકે ગણાવીને આની પ્રસંશા કરી હતી અને કહ્યું હતું કે, આ બજેટ દેશના સવા અબજથી વધુ લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરશે. તેમણે કહ્યું હતું કે, બજેટમાં જે રીતે ખેડૂતો અને ગ્રામીણ લોકોના વિકાસ માટે ધ્યાન આપવામાં આવ્યું છે તે માટે તેઓ નાણામંત્રીની સમગ્ર ટીમને અભિનંદન આપે છે. મોદીએ ખેડૂતો અને ગ્રામીણ ભારત માટે બજેટને ક્રાંતિકારી તરીકે ગણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોની દશા સુધારવા માટે ગ્રામીણોને રોજગાર અને છત ઉપલબ્ધ કરાવવા માટે બજેટમાં મોટા પગલા લેવાયા છે. ખેડૂતો માટે ૧૪.૫૦ લાખ કરોડની ફાળવણી માત્ર ગ્રામીણ માટે કરાઈ છે. ખેડૂતોને આ નિર્ણયનો સંપૂર્ણ લાભ મળે તે માટે કેન્દ્ર રાજ્યો સાથે ચર્ચા કરશે. મોદીએ કહ્યું હતું કે, આ બજેટ દરેક ભારતીયોની અપેક્ષાને ધ્યાનમાં લઇને તૈયાર કરાયું છે. રેલવે માટે સરકારે ૧ લાખ ૪૮ હજાર કરોડની ફાળવણી કરી છે. રેલવે પાટાઓને બદલવા પર વધુને વધુ રકમ ખર્ચ કરાશે. સમગ્ર રેલવે નેટવર્કને બ્રોડગેજમાં બદલી દેવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે, બજેટના બહાને પોતાની સરકારની યોજનાઓ અસરકારક દેખાઈ રહી છે. જૈવિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પણ પગલા લેવાયા છે. બજેટમાં નોકરીયાત મહિલાઓને પણ ધ્યાન રાખીને કામ કરવામાં આવ્યું છે. કરદાતાઓ માટે સન્માન, સિનિયર સિટિઝનોને તેમના યોગદાન માટે વંદના બજેટની ઉપલબ્ધી છે. કામકાજી મહિલાઓ પાસે વધારે પૈસા રહે તેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.

કારોબારમાં પ્રવેશતી કંપની માટે પેન જરૂરી

૨.૫ લાખથી વધુના લેવડદેવડ મામલે

૨.૫ લાખ અથવા તો તેનાથી વધુ નાણાંકીય લેવડદેવડમાં પ્રવેશ કરતી કોઇપણ કંપની માટે પેનને ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. પહેલી એપ્રિલથી બિનવ્યક્તિગતો માટે યુનિક નંબર તરીકે પેનનો ઉપયોગ કરવામાં આવશે. જેટલીએ બજેટમાં આ અંગેની વાત કરી હતી. બીજી બાજુ એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આગામી ત્રણ વર્ષ માટે ઇપીએફમાં નવા વર્કરોના પગાર પૈકી ૧૨ ટકાનું યોગદાન કેન્દ્ર સરકાર આપશે. આનાથી કર્મચારીઓને સામાજિક સુરક્ષા મળશે.

પાંચ ટકા સુધી તમામ એમએસએમઈના ટેક્સ રેટ ઘટાડીને સાહસી પગલા લેવામાં આવી રહ્યા છે. જેટલીએ આજે બજેટ રજૂ કરતી વેળા શ્રેણીબદ્ધ જાહેરાતો કરી હતી. જેમાં જુદા જુદા ક્ષેત્રો માટે ફાળવણીને વધારી દેવામાં ાવી હતી. વડાપ્રધાન અને અન્ય જુદા જુદા સાથી પક્ષોએ બજેટની પ્રશંસા કરી હતી.

(10:08 pm IST)