Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સેંસેક્સ ૫૮ પોઇન્ટ ગગડીને ૩૫૯૦૭ની નીચી સપાટીએ

દલાલ સ્ટ્રીટમાં બજેટના દિવસે મંદીનું મોજુ : સેંસેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહેતા નિરાશા

મુંબઇ, તા. ૧ : શેરબજારમાં આજે ભારે અફડાતફડી રહી હતી. મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે કોઇ મોટી જાહેરાત કરવામાં ન આવતા આને લઇને મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેંસેક્સ ૫૮ પોઇન્ટ ઘટીને ૩૫૯૦૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૦૧૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૧૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં ઇન્કમટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવતા તથા મ્યુચ્યુઅલ ફંડ, કેપિટલ ગેઇન ટેક્સ, કોર્પોરેટ ટેક્સના સંદર્ભમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ કડાકો બોલી ગયો હતો. એ વખતે સેંસેક્સમાં ખુબ મોટો કડાકો બોલાયો હતો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને લઇને જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર રહી હતી. જીડીપીના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ૩.૩ ટકા રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું. કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર પર આ વર્ષના બજેટમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

શેરબજારમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે તેના એક દિવસ પહેલા મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ગઇકાલે પણ કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી સતત બીજા સેશનમાં મંદીમાં રહ્યા હતા.  ગઇકાલે બુધવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૬૯ પોઇન્ટ ઘટીને ૩૫૯૬૫ની સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૨ પોઇન્ટ ઘટીને ૧૧૦૨૮ની સપાટી પર રહ્યો હતો. આજે સેંસેક્સે ૩૬૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. જો કે, નિફ્ટી ૧૧૦૦૦ની સપાટીને જાળવવામાં સફળ રહેતા આંશિક રાહત કારોબારીઓને થઇ હતી. એકંદરે બજેટથી શેરબજારમાં નિરાશા જોવા મળી હતી જેના લીધે બજેટ રજૂ કરવામાં આવ્યા બાદથી છેલ્લે સુધી શેરબજારમાં મંદી જોવા મળી હતી. આગામી દિવસોમાં બજેટની અસર હેઠળ શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. બજેટ ઘણા કારોબારીઓ અને મધ્યમવર્ગ માટે નિરાશાજનક રહ્યું હતું. સરકાર વેચાણ મારફતે નાણા ઉભા કરવાની યોજના પણ ધરાવે છે.

(7:51 pm IST)