Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

હવે પાલક, મેથી, આમળા, લસણમાંથી બનશે 'કેપ્સુલ'

કોટાની કૃષિ વિશ્વ વિદ્યાલયની ટીમને મળી સફળતાઃ દર્દીઓને ખાવામાં પણ રહેશે સરળતા, કેટલીક મલ્ટી નેશનલ ફાર્મા કંપનીઓ પણ બજારમાં મુકવા આવી આગળ

જોધપુર,તા.૧: ભારતમા­ં અવાર-નવાર વિવિધ સ્તરે કોઇને કોઇ પ્રકારે નિતનવા રેકોર્ડ સાથે જ અવનવી સિધ્ધીઓ સર્જાતી રહે છે...એવી જ રીતે હવે બજારમાં પાલક,મેથી, આમળા અને લસણની કેપ્સુલો જોવા મળે તો નવાઇ નહિ...કેમ કે, કોટા કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા પ્રક્રિયા એકમે કેપ્સુલો તૈયાર કરી લીધી છે.

મણડોર સ્થિત કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ચાલી રહેલા પશ્વિમી ક્ષેત્ર કિસાન મેળામાં આવી જ કેપ્સુલને પ્રદર્શનમાં મુકાયા હતા.

આ અંગે કોટા કૃષિ વિશ્વ વિદ્યાલયના જનસંપર્ક અધિકારી-વૈજ્ઞાનિક ડો.મુકેશ ગોયલ અને ગુંજન સનાઢયે સંયુકતમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સંદર્ભે એકમ નિર્દેશક ડો.મમતા તિવારીએ કેપ્સુલ તૈયાર કરી છે...જેમાં પાલક, મેથી, ગાજર, અશ્વગંધા, લીમડો, સુંઠ, લસણ, આમળાની કેપ્સુલોનો સમાવેશ થાય છે.

જો કે, ઘણા લોકો કેટલાક શાકભાજીને દુર્ગંધ કે સ્વાદને લીધે ખાવાનું ટાળતા હોય છે.કેટલાક ઇલાજમાં દર્દીઓને કાચુ લસણ ખાવુ પડતુ હોય છે... કાચુ લસણ ખાવાથી ઘણાને મોઢામાં છાલા પણ પડી જતા હોય છે.ત્યારે પાલક, મેથી, આમળા, લસણમાંથી બનાવાયેલી કેપ્સુલને  બિમારીમાં ઉપયોગમાં લેવામાં દર્દીઓને સરળતા રહે છે.

જાણવા મળ્યાનુસાર આવી કેપ્સુલથી શરીરમાં ઓછા થઇ રહેલા માઇનર ફુડ ન્યુટ્રિએન્ટ, રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવા સાથે જ કેટલીક બિમારીઓમાં પણ ફાયદારૂપ થાય છે...તો મિનરલ્સ, પ્રોટીન તથા અન્ય જરૂરી પોષકતત્વોથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે, સાથે સાથે નેત્ર જયોતિ અને હિમોગ્લોબિન વધારવામાં પણ ફાયદાકારક છે...એવી જ રીતે હ્રદયરોગ, કબ્જીયાત, ડાયાબિટીસ જેવી વિવિધ બિમારીમાં પણ અસરકારક સાબિત થઇ છે.

દરમિયાન કૃષિ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિક ગુંજન સનાઢયનું કહેવું છે કે, મેથી, આમળા,પાલક, લસણની કેપ્સુલોની સતત મળી રહેલી સફળતાને પગલે કેટલીક મલ્ટી નેશનલ ફાર્મા કંપનીઓ પણ  સંપર્ક આગળ આવવા લાગી છે.સાથે જ કેટલાક શાકભાજી ઉત્પાદક કિસાનો પણ માહિતી અપાઇ છે.

ઉદેશ સસ્તી દવાઓ, હાઇ ન્યૂટ્રિશિયનનો...

જોધપુરઃ  દેશભરમાં વર્તમાન સમયમાં દરેક સ્તરે વધી રહેલી મોંઘવારીમાં ગરીબ દર્દીઓને રાહત અને હાઇ ન્યૂટ્રિશિયન ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે કોટા કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે લેબ રિસર્ચ સેન્ટરની સાથે સાથે આખે આખુ ખાદ્ય પ્રોસેસિંગ એકમ ઉભુ કરી કેપ્સુલ તૈયાર થઇ રહી છે.

જેમાં કાચા માલને કાપ્યા બાદ પિલાણ કરી પાઉડર બનાવાય છે...એવી જ રીતે ઇલેકટ્રિક ડ્રાયરમાં અલગ-અલગ તાપમાનમાં સકાવીને કેપ્સુલના રૂપમાં ફેરવવામાં આવે છે.

(3:55 pm IST)