Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વિજય માલ્યા માટે મુંબઇની જેલમાં બનશે 'સ્પેશિયલ' જિમ ?

આર્થર રોડ જેલ મહારાષ્ટ્રની પહેલી એવી જેલ હશે, જયાં અન્ડર-ટ્રાયલ કેદીઓ માટે એક સારું જિમ બનશે

મુંબઈ તા.૧ : ભારતની જેલોની સ્થિતિ વિષે રિપોર્ટ આમ તો સારા નથી હોતા, પરંતુ મુંબઈની આર્થર રોડ જેલની સ્થિતિ ટુંક સમયમાં સુધરી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાગેડુ વિજય માલ્યાને આર્થર રોડ જેલમાં રાખવાના છે, માટે જેલને વિજય માલ્યા માટે રહેવાલાયક બનાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા તરફથી યુકેની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે ભારતની જેલોની સ્થિતિ ખરાબ છે અને તે રહેવાલાયક નથી. ત્યારપછી સરકારે જેલના ૧૨ નંબરના બેરકમાં વિજય માલ્યાને રાખવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે જેલની ૧૨ નંબરની બેરક તે જ છે જેને પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબ માટે ખાસ તૈયાર કરવામાં આવી હતી.

આર્થર રોડ જેલ મહારાષ્ટ્રની પહેલી એવી જેલ હશે, જયાં અન્ડર-ટ્રાયલ કેદીઓ માટે એક સારું જિમ બનશે. જેલના અધિકારીઓએ જણાવ્યું કે, જેલમાં જિમનો ઉપયોગ અમુક ખાસ લોકો જ કરી શકશે. અહીં વર્કઆઉટ કરવા માટે સારા ઉપકરણો મુકવામાં આવશે. આ જિમ પણ અન્ય સામાન્ય જિમ કરતા અલગ છે.

અહીં સીમેન્ટના બ્લોકસનો ડમ્બલ્સ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ અમુક કેદીઓએ સીમેન્ટના ડમ્બલ્સથી એકબીજા પર હુમલો કર્યો હતો. આ દ્યટના પછી નિર્ણય લેવામાં આવ્યો કે જિમમાં ઉપકરણ ખુલ્લા નહીં મુકવામાં આવે, તેમને મશીન સાથે જોડવામાં આવશે.

જેલ અધિકારીઓએ જણાવ્યું કે, જે કેદી ડમ્બલ્સનો ઉપયોગ નથી કરી શકતા તેમના માટે પાણીની બોટલ્સમાં મીઠું ભરીને આપવામાં આવશે. આ મીઠા વાળી બોટલ્સનો ઉપયોગ તે પમ્પ આયરન માટે કરી શકશે. જેલ સમીક્ષકે જણાવ્યું કે, જિમમાં બે પ્રોફેશનલ ટ્રેનર્સ પણ તૈનાત કરવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે, અન્ડર-ટ્રાયલ કેદીઓની માંગ પછી જિમ બનાવવામાં આવી રહ્યું છે. અત્યારે જેલમાં કેદીઓની સંખ્યા ક્ષમતા કરતા ઘણી વધારે છે. અનેક વૃદ્ઘ કેદીઓ મેદસ્વીતા અને સાંધાના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જિમમાં એકસર્સાઈઝ કરીને તે સ્વસ્થ રહી શકશે.

જિમમાં એકસાથે ૨૦થી ૨૫ કેદી વર્કઆઉટ કરી શકશે. તેમને વર્કઆઉટ માટે ૪૫ મિનિટનો સમય આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, જેલમાં અત્યારે પણ એવા અનેક કેદી છે જે ફિટ રહેવા માટે બેરકમાં જ વર્કઆઉટ કરતા હોય છે.

(3:41 pm IST)