Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પેટ્રોલ-ડિઝલ ર રૂા. સસ્‍તુઃ ટીવી-મોબાઇલ ફોન મોંઘા

મોદી સરકારે પેટ્રોલ-ડિઝલમાં એકસાઇઝ ડયુટી ર રૂા. ઘટાડીઃ જેટલીએ કરી જાહેરાત : કસ્‍ટમ ડયુટી ર૦ ટકા થતા આયાતી સ્‍માર્ટફોન મોંઘા થશેઃ ટીવી-લેપટોપ-ફ્રીઝ સહિતની ઇલેકટ્રોનીક પ્રોડકટ મોંઘી થશે

નવી દિલ્‍હી તા.૧ : છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવો પર વિપક્ષ અને જનતામાં આક્રોશનો સામનો કરી રહેલી સરકારે આજે બજેટ થકી રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. બજેટમાં એકસાઇઝ ડયુટી ઘટાડવાને કારણે પેટ્રોલ અને ડિઝલમાં રૂા.રનો ઘટાડો થઇ ગયો છે. હવે દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૭૧ અને મુંબઇમાં ૭૯ થઇ ગયો છે તો બીજી તરફ સરકારે કસ્‍ટમ ડયુટી વધારી ર૦ ટકા કરતા ઇલેકટ્રોનીક સામાન, ટીવી, લેપટોપ, મોબાઇલ મોંઘા થઇ ગયા છે. મોદી સરકારના આ પ્રસ્‍તાવથી વિદેશથી આવતા ટીવી, મોબાઇલ, ફ્રીઝ, લેપટોપ વગેરે મોંઘા થઇ જશે.

તાજેતરમાં ક્રુડના ભાવ વધતા પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી ગયા હતા. જેને કારણે લોકોમાં ભારે રોષ ફેલાઇ ગયો હતો. સરકારે એકસાઇઝ ડયુટીમાં રાહત આપી પેટ્રોલ અને ડિઝલના ભાવ સસ્‍તા કર્યા છે. એકસાઇઝ ડયુટીમાં રૂા.રનો ઘટાડો કરવાનુ એલાન કર્યુ છે. સરકારે પેટ્રોલ પર એકસાઇઝ ડયુટી ર રૂા. ઘટાડી ૪.૪૮ કરી છે તો ડિઝલ ર રૂા. ઘટાડી ૬.૩૩ રૂા. કરી દીધી છે. મોદી સરકારના કાર્યકાળમાં ડિઝલ પર એકસાઇઝ ડયુટી ૩૮૦ ટકા વધારવામાં આવી હતી.

દરમિયાન નાણામંત્રી જેટલીએ બજેટમાં કસ્‍ટમ ડયુટી વધારવાની જાહેરાત કરી છે તેથી મોબાઇલ અને ટીવીના ભાવ વધી જશે. નાણામંત્રીએ મોબાઇલ ફોન પર ડયુટી ૧પ ટકાથી વધારી ર૦ ટકા અને મોબાઇલ તથા ટીવીના ઉપકરણો પર ૧પ ટકા સુધીની ડયુટી લાદવાની જાહેરાત કરી છે. કસ્‍ટમ ડયુટી વધવાથી મોબાઇલ, ટીવી મોંઘા થશે. નાણામંત્રીએ કહ્યુ હતુ કે, કસ્‍ટમ ડયુટી પર સેસ ૩ ટકાથી વધારી ૪ ટકા કરી દેવામાં આવી છે જેની સીધી અસર સ્‍માર્ટફોન અને ટીવી પર પડશે.

આ ફેંસલાથી ભારતમાં વેચાતા તમામ કંપનીઓના સ્‍માર્ટ ફોન મોંઘા થઇ જશે કારણ કે બધી કંપનીઓ ભારતમાં એસેમ્‍બલ કરે છે પરંતુ મોટાભાગ પાર્ટસ ચીનથી આવે છે.

(3:19 pm IST)