Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ખેડૂતોની આવક ૨૦૨૨ પહેલા બમણીઃ કૃષિ ઋણની ફાળવણી ૧૧ લાખ કરોડઃ પાકના દોઢ ગણા ભાવ અપાશેઃ એગ્રો માર્કેટ ઉભા કરાશે

કૃષિ - ખેડૂતો ઉપર વરસી પડી મોદી સરકારઃ બટેટા - ટમેટા - ડુંગળીના ઉત્‍પાદન માટે સરકાર ઓપરેશન ગ્રીનની સ્‍થાપના કરશે : ૨૦૧૬-૧૭માં ૨૭૫ મેટ્રીક ટન ખાદ્યાન્‍ન અને ૩૦૦ મેટ્રીક ટન ફળો - શાકભાજીનું ઉત્‍પાદન થયું: ગ્રાઉન્‍ડ વોટર ઇરીગેશન હેઠળ દરેક ખેતરને પાણી - ૧૬૦૦ કરોડ ફાળવાયા

નવી દિલ્‍હી તા. ૧ : નાણામંત્રી અરૂણ જેટલીએ દેશના ખેડૂતો માટે મોટી ભેટનું એલાન કર્યું છે. તેઓએ કહ્યું કે સરકારે આગામી તમામ ખરીદી તમામ પાકને તેના ઉત્‍પાદન ખર્ચ કરતા ઓછામાં ઓછી દોઢ ગણી કિંમતે ખરીદી કરશે. દેશના ખેડૂતોની આવક વધારીને ૨૦૨૨ સુધી બે ગણી કરવાનો ટાર્ગેટ રાખતા નાણામંત્રી અરૂણ જેટલીએ હાલની સરકારના છેલ્લા પૂર્ણ બજેટમાં સરકારના સંકલ્‍પને ફરી રીપીટ કર્યો અને કહ્યું કે, ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણી કિંમત મળે તે સુનિヘતિ કરવા માટે બજાર મૂલ્‍ય અને એમએસપીમાં વચ્‍ચે રકમમાં જે તફાવત હશે તે સરકાર વહન કરશે.

જેટલીએ કહ્યું કે, બજારમાં કિંમત એમએસપી કરતા ઓછી હશે તો સરકાર એ સુનિヘતિ કરશે કે ખેડૂતોને બાકી રકમ આપવામાં આવે. જેટલીએ કહ્યું કે, તેના માટે નીતિ આયોગ વ્‍યવસ્‍થાનું નિર્માણ કરશે.

જેટલીએ કહ્યું કે, ૫૮૫ ઇપીએમસીને ઇનેમ દ્વારા જોડવામાં આવશે. આ કામ માર્ચ ૨૦૧૯ સુધીમાં ખત્‍મ થઇ જશે. જે છોડ કે વૃક્ષનો ઉપયોગ દવા બનાવામાં થાય છે. તેનું ઉત્‍પાદન વધારવા પર ભાર મૂકાશે. જૈવિક ખેતીને પ્રોત્‍સાહન આપવામાં આવશે. સરકાર તેના માટે સંપૂર્ણ પ્રયત્‍ન કરશે.

ટમેટા, બટેટા, ડુંગળીનો ઉપયોગ હવામાન આધારિત છે. તેના માટે ઓપરેશન ફલડની જેમ ઓપરેશન ગ્રીન લોન્‍ચ કરવામાં આવશે. જેના માટે સરકાર ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરશે. માછીમારો અને પશુપાલકોને પણ ક્રેડીટ કાર્ડ મળશે. જેટલીએ કહ્યું કે, ૪૨ મેગા ફુડ પાર્ક બનશે. માછીમારો અને પશુપાલન માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. નીતિ આયોગ એવી વ્‍યવસ્‍થા બનાવી રહ્યું છે. જેથી ખેડૂતોને લોન લેવામાં સરળતા રહે.

વર્ષ ૨૦૨૨માં સ્‍વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીના ભાગ રૂપે સરકારે ખેડૂતોની આવક ડબલ કરવા પગલાં ભર્યા છે. જેમાં કૃષિને લાભકારી બનાવવા માટે તેમની ઉત્‍પાદન ખર્ચથી ૫૦ ટકા વધું ભાવ મળે તેવો સરકારનો પ્રયત્‍ન રહેશે. આ માટે સરકારે સંકલ્‍પ કરી ચૂકી છે. રવિપાક માટે સરકાર ઘોષણા કરી ચૂકી છે. અન્‍ય ખેત ઉત્‍પાદનની પડતર કિંમતના દોઢગણા ભાવ મળે તેમ સુનિશ્રિત કરવામાં આવશે. ન્‍યૂનત્તમ સમર્થન મૂલ્‍ય જ વધારી દેવું તે જ પર્યાપ્ત નથી.  આ માટે ખેડૂતોને મેક્‍સિમમ સેલિંગ પ્રાઈઝ(એમએસપી) મળે તે માટે  સરકાર પોતે ખરીદી કરે અથવા કોઈ એવી વ્‍યવસ્‍થા કે ઈન્‍સ્‍ટિટ્‍યુશનલ મિકેનિઝમ ઉભું કરે જેથી કરીને કૃષિ ઉત્‍પાદકોને મેક્‍સિમમ સેલિંગ પ્રાઈઝ મળે. ૨૨૦૦૦ રૂરલ માર્ટ ઉભા કરાશે. જે મનરેગા તેમજ અન્‍ય સાથે જોડીને એગ્રિકલ્‍ચરલ માર્કેટ તેમજ એપીએમસીને જોડવામાં આવશે. એગ્રો માર્કેટ ડેવલપમેન્‍ટ ફંડ માટે સરકારે ૨૦૦૦ કરોડ ફાળવ્‍યા છે.

અનાજ ઉત્‍પાદનની ચર્ચા કરીને નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્‍યું કે, વર્ષ ૨૦૧૭-૧૮માં આપણા દેશમાં ૨૭૫ મિલિયન ટન અનાજનું ઉત્‍પાદન કરવામાં આવ્‍યું. જેટલીએ વધુમાં ઉમેર્યું કે, ખેડૂત લોન માટે ૧૧ લાખ કરોડનું ફંડ ઉભુ કરવામાં આવશે. સામાન્‍ય બજેટ ભાષણમાં વધુ જણાવ્‍યું કે, વાંસને વનક્ષેત્રથી અલગ કરવામાં આવશે. નાણામંત્રીએ બજેટ સ્‍પીચમાં કહ્યું કે, કૃષિ ઉત્‍પાદન રેકોર્ડ સ્‍તર પર છે.

જેટલીના જણાવ્‍યા મુજબ ભીમ એપ દ્વારા ખેડૂતોને પ્રત્‍યક્ષ રીતે પાક વેચાણની માહિતી આપવામાં આવશે. દુરસ્‍થ ખેડૂતોના ઘરોને માર્ગ સાથે જોડીને પાકને વેચાણના કેન્‍દ્રો સુધી પહોંચાડવામાં આવશે. કૃષિ ક્ષેત્ર માટે ૨૦૧૮-૧૯માં સંસ્‍થાગત લોન વધારીને ૧૧ લાખ રૂપિયા કરાશે.

સિંચાઇ યોજનામાં દરેક ખેતરને પાણી આપવાનું લક્ષ્ય છે તેના માટે ૧૬૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દરેક મંત્રાલયોના અધિકારીઓને સામેલ કરી હવામાન મુજબ અને નિકાલ અંગે મહત્‍વના નિર્ણયો લેવાશે.

૪૨ મેગા ફૂડ પાર્કની સ્‍થાપનાની જાહેરાત કરાઇ છે. લઘુ અને સીમાંત ખેડૂતો માટે ગ્રામીણ વિસ્‍તારોમાં કૃષિ બજારો વિકસાવાશે. ૨૨ હજાર ગ્રામીણ હાટોને કૃષિ બજારનું સ્‍વરૂપ અપાશે. દેશમાં કૃષિ ઉત્‍પાદન રેકોર્ડ સ્‍તર પર થઈ રહ્યું હોવાનો દાવો.  કૃષિ બજારોના વિકાસ માટે રૂ. ૨૦૦૦ કરોડ ફાળવવામાં આવશે.

(2:35 pm IST)