Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

૫૦ કરોડ લોકોને દર વર્ષે ૫ લાખ સુધીનો મેડીકલેમ

વિશ્વની સૌથી મોટી સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજનાની જાહેરાત કરતા નાણામંત્રી અરૂણ જેટલી : દેશની ૧.૩૦ અબજની વસ્‍તીમાંથી ૪૦ ટકા વસ્‍તી આ યોજનામાં સમાવાશેઃ ૩ સંસદીય મતવિસ્‍તાર દીઠ ૧ મેડીકલ કોલેજ સ્‍થપાશે

નવી દિલ્‍હી તા. ૧ : સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં અત્‍યાર સુધીની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ યોજનાઓ જાહેર કરી હોય એમ જણાય છે. ૧૦ કરોડ પરિવારોને આરોગ્‍ય રક્ષા યોજના હેઠળ પાંચ લાખ રૂપિયાનું આરોગ્‍ય કવચ આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દ્વિતીય અને તૃતીય સ્‍તરની આરોગ્‍ય સેવાઓ માટે દરેક પરિવારને ઉક્‍ત કવચ આપવામાં આવશે, જેથી ગંભીર બીમારીઓનો ઉપચાર સારી રીતે કરાવી શકાય. આ યોજનાને વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળ ધરાવતી યોજના તરીકે જાહેર કરાઈ છે.

તેમણે કહ્યું હતું કે, નેશનલ હેલ્‍થ પ્રોટેકશન સ્‍કીમ હેઠળ ૧૦ કરોડ પરિવારોને વર્ષે ૫ લાખ રૂપિયાનો મેડીકલેમ અપાશે. આ વિશ્વની સૌથી મોટી હેલ્‍થ કેર કાર્યક્રમ હશે. આનાથી ૫૦ કરોડ લોકોને લાભ મળશે. દેશની લગભગ ૧.૩૦ અબજની વસ્‍તીમાંથી લગભગ ૪૦ ટકાને આ યોજના હેઠળ આવરી લેવાશે.

જેટલીએ કહ્યું હતું કે, અમે ગરીબ અને દુઃખી પરિવારોને વર્ષે ૫ લાખની સહાયતા મળશે. વિશ્વનો આ સૌથી મોટો કાર્યક્રમ હશે. હોસ્‍પિટલમાં દાખલ માટે એ સુનિતિ કરશું તે આ કાર્યક્રમ સંપૂર્ણ પણે લાગુ થાય. અત્‍યારે રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય વીમા યોજના હેઠળ ગરીબ પરિવારોને ૩૦,૦૦૦નો વીમો અપાય છે.

નાણાપ્રધાને બજેટના ભાષણમાં જણાવ્‍યા મુજબ સરકારે દરેક ત્રણ સંસદીય મતવિસ્‍તારો દીઠ ૧ મેડિકલ કોલેજ સ્‍થાપવાનો નિર્ધાર કર્યો છે. આગામી નાણાકીય વર્ષમાં ૨૪ નવી મેડિકલ કોલેજોની સ્‍થાપના કરવામાં આવશે. સરકાર હોસ્‍પિટલોને મેડિકલ કોલેજમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરશે.

આયુષ્‍માન ભારત યોજના હેઠળ ૧.૫ લાખ કેન્‍દ્રોની સ્‍થાપના કરવામાં આવશે, જેમાં આરોગ્‍યની સેવાઓ આપી શકાય. આ યોજના માટે ૧,૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરાઈ છે.સરકારે ક્ષયની ગંભીરતાને અનુલક્ષીને આ બીમારીના દરદીઓ માટે ૬૦૦ કરોડ રૂપિયાના ભંડોળની જાહેરાત કરી છે. તેના હેઠળ દરદીને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવામાં મદદ મળે એ માટે સારવાર તથા પોષણ માટે દર મહિને ૫૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે.

(12:56 pm IST)