Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

દારૂબંધીની માફક તંબાકુબંધી લાદવા સરકારના પ્રયાસ

સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને તમાકુને ‘આઉડસાઈડ કોમર્સ’ કેટેગરીમાં મૂકવા ભલામણ પાન મસાલા કે બીડી સિગરેટ જેવી તંબાકુ ઉપર પ્રતિબંધ આવી શકશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દારૂબંધીની માફક તંબાકૂબંધી લાદવા પ્રયાસ કરી રહી છે જો તે પાસ થઈ ગયો તો, પાન-મસાલા કે સિગરેટ બીડી જેવી તમાકુની પ્રોડક્ટ્સ પર સરકાર નિયંત્રણો લાદી શકશે.

 

   સરકારે સુપ્રીમ કોર્ટને તમાકુને ‘આઉડસાઈડ કોમર્સ’ કેટેગરીમાં મૂકવા ભલામણ કરી છે. જો કોર્ટ તેને પરવાનગી આપી દે તો તમાકુની કંપનીઓને વેપાર કરવાનો કાયદાકીય હક્ક નહીં રહે.આ વાતનો સીધો અર્થ એ છે કે જો તમાકુને ‘આઉટસાઈડ કોમર્સ’ કેગેટરીમાં મૂકવામાં આવે તો સરકાર માટે તેના પર ધાર્યા નિયંત્રણો મૂકવા આસાન થઈ જશે
   અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં તમાકુ પ્રોડક્ટ્સનું 11 અબજ ડોલરનું માર્કેટ છે.ત્યારે જો તમાકુ પ્રોડક્ટ્સ પર નિયંત્રણ પર મૂકવાના સરકારના આશયને સુપ્રીમ મંજૂરી આપી દે તો આ ઈન્ડસ્ટ્રીને મોટું નુક્સાન ભોગવવું પડી શકે છે.

 

   સુપ્રીમ કોર્ટે 1970માં દારુને પણ આ જ કેટેગરીમાં મૂકી દીધો હતો, જેના કારણે જ ભારતમાં બિહાર તેમજ ગુજરાત જેવા રાજ્યો દારુબંધી લાવી શક્યા અને તેને દારુ બનાવતી કંપનીઓ કોર્ટમાં ચેલેન્જ પણ ન કરી શકી જાણકારો મુજબ કંઈક આવું જ તમાકુ પ્રોડક્ટ્સમાં પણ થઈ શકે છે.

   આ મામલા સાથે સંકળાયેલા સરકારી વકીલ આર બાલાસુબ્રમણ્યમનું કહેવું છે કે,આલ્કોહોલ કરતા પણ તમાકુ પર આવનારા નિયંત્રણની અસર વ્યાપક હશે. સુપ્રીમ તેના માટે મંજૂરી આપી દે તો તમાકુના વપરાશ પર નિયંત્રણ મૂકવા અને લોકોને તેનાથી દૂર રાખવા સરકાર આકરાં પગલાં લઈ શકશે. જોકે, સરકારે તમાકુ પર પ્રતિબંધ મૂકવા અંગે કોઈ ચર્ચા નથી કરી તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

   ભારતમાં દર વર્ષે નવ લાખ લોકો તમાકુના કારણે મરે છે.સરકારે તાજેતરના વર્ષોમાં તેના પર ટેક્સમાં પણ વધારો કર્યો છે, અને સિગરેટના પેકેટ પર તો ચેતવણી આપતી જાહેરખબરની સાઈઝ પણ ઘણી મોટી કરી દેવાઈ છે. સરકાર તો આખાય પેકેટ પર આ ચેતવણી છપાય તેવું ઈચ્છતી હતી પરંતુ તેની સામે કર્ણાટકની કોર્ટે મનાઈ ફરમાવી દીધી હતી.

    સરકારના આ આદેશ સામે સિગરેટ કંપનીએ કોર્ટમાં અપીલ કરી હતી. કંપનીનો દાવો હતો કે, આ નિર્ણયથી તેના વેપાર કરવાના હક્ક પર તરાપ વાગે છે, જે દલીલ માન્ય રાખી કોર્ટે સિગરેટના આખા પેકેટ પર ચેતવણી છાપવાના નિર્ણયને બહાલી નહોતી આપી. સરકારે તેની સામે સુપ્રીમમાં અપીલ કરી છે, અને કોર્ટે હાલ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો છે. આ કેસની સુનાવણી 12 માર્ચે થવાની છે.

(12:19 pm IST)