Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તિરૂપતિ મંદિરના ૪૪ બિન હિન્દુ કર્મચારીઓ ચર્ચમાં ગયા, નોકરી જવાનું જોખમ ઊભું થયું

ચેન્નાઇ તા. ૧ :.. તિરૂમાલા વેન્કટેશ્વર મંદિરનું સંચાલન કરતા તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી) ટ્રસ્ટે એના ૪૪ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવા બાબતે શો-કોઝ નોટીસો આપી છે. એ કર્મચારીઓને  તેમની નિમણુકો નિયમો વિરૂધ્ધ હોવાથી તેમને નોકરીમાંથી શા માટે કાઢી ન મુકવા એવો પ્રશ્ન શો-કોઝ નોટીસમાં પુછવામાં આવ્યો છે. સંબંધિત કર્મચારીઓએ ત્રણ અઠવાડીયામાં  નોટીસોના જવાબો આપવાના રહેશે. ૧૯૮૯ માં દેવસ્થાનમાં શિક્ષક સિવાયની કેટેગરીઝમાં ફકત હિન્દુઓની નિયુકિતની જોગવાઇ કરવામાં આવી હતી. ર૦૦૭ માં નિયમોમાં સુધારો કરીને દેવસ્થાનમની તમામ કેટેગરીઝમાં હિન્દુઓની નિયુકિતની જોગવાઇ કરવામાં આવી હતી.

મંદિરમાં બિનહિન્દુ કર્મચારીઓની નિયુકિત બાબતે વાંધા ઉઠાવવામાં આવ્યા બાદ મેનેજમેન્ટે શો-કોઝ  નોટીસો મોકલવાનું પગલું લીધું હતું. નોટીસો મેળવ્યા પછી સંબંધિત કર્મચારીઓને આંચકો લાગ્યો છે. ખ્રિસ્તી હોવાને કારણે શો-કોઝ નોટીસ મેળવનારા એ કર્મચારીએ જણાવ્યું હતું કે 'કેટલાંક વર્ષોથી મારો સમગ્ર પરિવાર હિન્દુ ધર્મ પાળે છે. એથી આ નોટીસ મળતાં હું નિરાશ થયો છે. મારુ નામ ભૂલથી તેમની યાદીમાં આવ્યું છે કે કેમ, એ મને સમજાતું નથી. મેં દેવસ્થાનમમાં ઘણાં વર્ષોથી સેવા કરી છે. મેં હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા છે. મારા સંતાનોનાં વિધિવિધાન પણ હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યાં છે. એ બધી બાબતો હું નોટીસના જવાબમાં જણાવીશ.'

(11:14 am IST)