Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

તોગડિયાનો PM મોદીને સંદેશ, 'ચાલો બેસીને મતભેદો દૂર કરીએ'

નરેન્દ્રભાઇ ચાલો પાછા એક થઇને દેશ માટે કામ કરીએઃ યુવાનોમાં બેરોજગારી, ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ, નાના ઉદ્યોગોની કથળતી સ્થિતિ, દેશના લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ- આ બધી બાબતો પર ચિંતા કરવાની જરૂર : તમે પાકિસ્તાનના નવાઝ શરીફ અને ભારતના મૌલવીઓ સાથે બેસી શકો છો તો આપણે પણ સાથે બેસીને વાત કરી શકીએ છીએ

નવી દિલ્હી તા. ૧ : વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય વર્કિંગ પ્રેસિડન્ટ પ્રવીણ તોગડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમાધાનનો સંદેશ મોકલ્યો છે અને દેશ તેમજ હિન્દુત્વ માટે તેમની વચ્ચેના મતભેદો દૂર કરવાની અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા તાજેતરમાં જ પ્રવીણ તોગડિયા વિરુદ્ઘ ચાલી રહેલા વર્ષો જૂના કેસને પાછો ખેંચવામાં આવ્યો છે. તોગડિયાએ આ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર પણ વ્યકત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જયારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં RSSના પ્રચારક હતા ત્યારે તોગડિયા તેમના ખાસ મિત્ર હતા. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના સંબંધોમાં તિરાડ પડી. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જયારે Z-કેટેગરીની સુરક્ષા હોવા છતાં જયારે તોગડિયા ગાયબ થઈ ગયા હતા તે ઘટનાક્રમ પછી તેમણે આરોપ મુકયો હતો કે પોલીસ એન્કાઉન્ટરમાં તેમની હત્યા કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.

તોગડિયાએ કહ્યું કે, નરેન્દ્રભાઈ ચાલો પાછા એક થઈને દેશ માટે કામ કરીએ. યુવાનોમાં બેરોજગારી, ખેડૂતોની નબળી આર્થિક સ્થિતિ, નાના ઉદ્યોગોની કથળતી સ્થિતિ, દેશના લોકોની સ્વાસ્થ્ય સમસ્યાઓ- આ બધી બાબતો પર ચિંતા કરવાની જરુર છે. મેડિકલ ખર્ચ ન ઉપાડી શકવાને કારણે દર વર્ષે લગભગ ૧ કરોડ પરિવાર ગરીબ બની જાય છે.

તોગડિયાએ આગણ જણાવ્યું કે, આપણે દેશના લોકોને અમુક વચનો આપ્યા હતા. ભણતરનો ખર્ચો ઓછો કરવો, અયોધ્યામાં રામ મંદિર બનાવવું, ગૌરક્ષા કરવી અને કાશ્મીર ઘાટીના હિન્દુઓને પુનઃસ્થાપિત કરવા વગેરે વચનો આપણે લોકોને આપ્યા હતા. આ વચનો નિભાવવા માટે સુલેહ કરવી ખુબ જરુરી છે.

પ્રવીણ તોગડિયાએ વધુમાં કહ્યું કે, આપણે એક વાર સાથે બેસીને મતભેદોને દૂર કરવાની જરુર છે. તમે પાકિસ્તાનના નવાઝ શરીફ અને ભારતના મૌલવીઓ સાથે બેસી શકો છો તો આપણે પણ સાથે બેસીને વાત કરી શકીએ છીએ. હું તમારો જૂનો મિત્ર છું. અને જે સીડી ચઢીને તમે ઉપર પહોંચ્યા છો તે સીડી તમારે તોડવી ન જોઈએ.

નરેન્દ્ર મોદીને મોટા ભાઈ તરીકે સંબોધીને તેમણે કહ્યું કે, મને આશા છે કે મોટા ભાઈ આસમાનેથી નીચે નજર કરીને અમારા જેવા જૂના મિત્રો સામે જોશે. મોટા ભાઈ વિદેશના નેતાઓ સાથે વાતચીત કરે છે, તો તેમણે થોડોક સમય અમારા માટે પણ કાઢવો જોઈએ.

(9:50 am IST)