Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

યુપી બાદ હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રીને આપનો પડકાર વિકાસના મોડલ પર ચર્ચા કરવા આપ્યું ખુલ્લુ આમંત્રણ

ઉત્તરાખંડ સીએમને પડકાર આપતા સિસોદિયાએ તેમને દેહરાદૂનમાં સોમવારે બોલાવ્યા : દિલ્હી આવવા પણ આમંત્રણ આપ્યું

નવી દિલ્હી : દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતને ઓપન ડિબેટ માટે પડકાર આપ્યો છે. ઉત્તરાખંડ સીએમને પડકાર આપતા સિસોદિયાએ તેમને દેહરાદૂનમાં 4 જાન્યુઆરીએ બોલાવ્યા છે. રાવતને દિલ્હી આવવા પણ પણ સિસોદિયાએ આમંત્રણ પાઠવ્યું છે. સિસોદિયાએ રાવતને આમંત્રિત કરતા કહ્યું કે, દિલ્હીના સરકારી સ્કૂલોમાં આવેલા ફેરફારો તેઓ ત્રિવેન્દ્ર રાવતને દેખાડવા માગે છે.

ઉત્તરાખંડ સરકારમાં મંત્રી મદન કૌશિકના નામે પત્ર લખી સિસોદિયાએ કેજરીવાલ વિરુદ્ધ ત્રિવેન્દ્ર રાવત મૉડલને ચર્ચાનો મુદ્દો બનાવ્યો છે. આ સાથે જ સિસોદિયાએ કહ્યું કે, 6 જાન્યુઆરીએ ઉત્તરાખંડ સીએમ દિલ્હી આવી કેજરીવાલ મોડલની સમીક્ષા કરી શકે છે. સિસોદિયાએ લખ્યું કે,'હું તમને દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા શિક્ષા, સ્વાસ્થ્ય અને મહિલા સુરક્ષાના ક્ષેત્રમાં કરાયેલા કાર્યોની માહિતી આપીશ.'

પત્રમાં સિસોદિયાએ લખ્યું કે, ઉત્તરાખંડના લોકોને એ જાણવાનો અધિકાર છે કે તેની અપેક્ષાઓને કોણ પૂર્ણ કરી શકે છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતા મુદ્દાઓ પર ચર્ચા કરશે તો વાસ્તવિકતા આપોઆપ સામે આવી જશે. ઉલ્લેખનીય છે કે, 2022માં ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે, જે માટે આમ આદમી પાર્ટી રાજ્યમાં પોતાની માટે માહોલ તૈયાર કરી રહી છે.

(10:18 pm IST)