Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

એપ દ્વારા લોન આપવાના નામે ચાઈનીઝ કંપનીની લૂંટ

૫ હજારની લોનના અઢી લાખ થઈ ગયા : એપ્સ પર ૫ હજારની લોન મળે છે, ના ચૂકવી શકો તો વધુ રકમની લોન અપાય, વ્યાજના ચક્કરમાં ફસાવી દેવાય છે

હૈદરાબાદ,તા.૧ : પાંચ હજાર રુપિયાની લોન અઢી લાખ રુપિયામાં પરિવર્તિત થઈ શકે? વાત માન્યામાં ના આવે તેવી છે, પરંતુ મોબાઈલ એપ પર કોઈ જાતના વેરિફિકેશન વિના જ મિનિટોમાં લોન આપીને ચાઈનીઝ કંપનીઓ કઈ રીતે લોકોને લૂંટી રહી છે તેની ચોંકાવનારી વિગતો હવે ધીરે-ધીરે સામે આવી રહી છે. હૈદરાબાદ પોલીસે આ મામલે ચાર ચીની નાગરિકોની ધરપકડ પણ કરી છે, તેવામાં આ એપ પરથી માત્ર પાંચ હજાર રુપિયાની લોન લઈને ફસાયેલા એક મહિલા સરકારી અધિકારીને આપઘાત કરવાની ફરજ પડી હોવાની ઘટના પણ ચર્ચાસ્પદ બની છે. તેલંગાણા સરકારના કૃષિ વિભાગમાં કામ કરતા કિર્ની મૌનિકા નામના આ મહિલા અધિકારીએ એપ દ્વારા પોતાના માટે નહીં, પરંતુ ખેડૂતો બિયારણ ખરીદી શકે તે માટે લોન લીધી હતી. તેમણે પોતાની ડાયરીમાં કયા ખેડૂતને કેટલા રુપિયા આ લોન લઈને આપ્યા હતા તેની વિગતો પણ નોંધી હતી.

        માત્ર ૨૫ વર્ષની વય ધરાવતી મૌનિકાએ ૧૪ ડિસેમ્બરે આપઘાત કર્યો હતો. લોનની સમયસર ભરપાઈ ના કરી શકવા બદલ રિકવરી એજન્ટ્સ તેમને ફોન કરીને ત્રાસ આપતા હતા, તેમજ તેમને બદનામ કરી દેવાની ધમકી પણ અપાતી હતી. મૌનિકાના પિતાના જણાવ્યા અનુસાર, ઝેર પીધા બાદ તે બે દિવસ હોસ્પિટલમાં રહી હતી. તે કંઈક કહેવા માટે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ તે શું કહેવા માગે છે તે કોઈ સમજી શક્યું નહોતું. જોકે, તેના મોત બાદ તેની ડાયરી તપાસવામાં આવી ત્યારે એવું બહાર આવ્યું હતું કે તેણે લોન લઈને કેટલાક ખેડૂતોની મદદ કરી હતી. મૌનિકાએ ખેડૂતોને પાંચ હજાર રુપિયાથી લઈને દસ હજાર રુપિયા આપ્યા હતા. ચાઈનીઝ એપ્સ લોન લેનારાને એવા ચક્રવ્યૂહમાં ફસાવે છે કે તે તેમાંથી ક્યારેય બહાર આવી જ ના શકે. પહેલા તો કોઈ વ્યક્તિને નાની રકમની લોન અપાય છે, અને જો તે સમયસર ના ભરી શકાય તો તેના માટે મોટી રકમની લોન ઓફર કરવામાં આવે છે. મૌનિકાને આ જ રીતે ૫૫ લોન આપી દેવામાં આવી હતી, અને આમ તેણે લીધેલી પાંચ હજાર રુપિયાની લોન ૨.૬૦ લાખ રુપિયામાં તબદીલ થઈ ગઈ હતી. જોકે, તેણે આ લોન લઈને જે ખેડૂતોને રુપિયા આપ્યા હતા તેઓ તેને ભરપાઈ કરી શકે તેમ નહોતા. ૧૩ ડિસેમ્બરે મૌનિકાના કેટલાક મિત્રોએ તેને જાણ કરી હતી કે તેના નામના તેમને મેસેજ મળી રહ્યા છે, જેમાં જણાવાઈ રહ્યું છે કે મૌનિકાએ કોઈ લોન લીધી છે.

(7:42 pm IST)