Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોરોનાના નવા સ્ટ્રેનના વધુ ચાર દર્દીઓ મળી આવ્યા

નવા વર્ષે પણ દેશમાં કોરોનાનો ફફડાટ યથાવત રહ્યો : છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના નવા ૨૦ હજાર કેસ નોંધાયા, નવા સ્ટ્રેનના દર્દીનો કુલ આંક ૨૯ પર પહોંચ્યો

નવી દિલ્હી, તા. ૧ : ભારતમાં નવા વર્ષમાં પણ કોરોનાનો ફફડાટ ઓછો નથી થયો. કોરોનાના યુકેવાળા વાયરસથી લોકો હજુ પણ થરથર કાંપી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યા મુજબ કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિત વધુ ચાર દર્દીઓ મળ્યા છે. આ સાથે જ દેશમાં નવા કોરોના સ્ટ્રેન સાથેના દર્દીઓની સંખ્યા વધીને ૨૯ થઈ છે.

દેશમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૨૦ હજાર કેસો નોંધાયા છે. બીજીતરફ કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓનો આંક વધીને ૨૩ હજાર થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ૨૪ કલાકમાં ૨૦,૦૩૫ નવા પોઝિટિવ કેસ સેમ આવ્યા હતા જેને પગલે કુલ સંક્રમિતોનો આંક ૧,૦૨,૮૬,૦૦૦થી વધુ થયો છે. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૯૮.૮૩ લાખ લોકો રિકવર થઈ ગયા છે. રિકવરી રેટ ૯૬.૦૮ ટકા નોંધાયો છે. સક્રિય કેસો ૨.૫૪ લાખની સપાટીએ રહ્યા છે. ૨૪ કલાકમાં વધુ ૨૫૬ દર્દીનાં મોત થયા કલુ મૃત્યુઆંક વધીને ૧,૪૮,૯૯૪ થયો છે. મૃત્યુદર ૧.૪૫ ટકા રહ્યો હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દિલ્હીની બે લેબમાં કોરોનાના નવા સ્ટ્રેનના કુલ ૧૦ દર્દી મળ્યા હોવાની પુષ્ટિ થઈ છે જ્યારે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે પાંચ, સીસીએમબી હૈદરાબાદ ખાતે ત્રણ નવા કોરોના સ્ટ્રેનના દર્દી મળ્યાની પુષ્ટિ થઈ છે. બેંગલુરુની લેબમાં ૧૦ નવા વાયરસના કેસ મળ્યા હતા જ્યારે એનઆઈબીએમજી કલ્યાણી ખાતે એક દર્દીમાં કોરોનાનો નવો સ્ટેરન મળ્યો હતો.

(7:41 pm IST)