Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વર્ષના પ્રથમ દિવસે રોકાણકારો ગેલમાં

એન્ટની વેસ્ટનો શેર ૩૮.૪૪% પ્રીમિયમ સાથે ખુલ્યો

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો ૩૦૦ કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ તારીખ ૨૩ ડિસેમ્બરના રોજ બંધ થયો હતોઃ આ આઈપીઓ ૧૫ ગણો છલકાયો હતો

મુંબઈ, તા.૧: નવા વર્ષના પ્રથમ દિવસે રોકાણકારો માટે સારા સમાચાર આવ્યા છે. પ્રથમ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસે એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો શેર ૩૮.૪૪ ટકાના પ્રીમિયમ સાથે ખુલ્યો હતો. ૨૦૨૦ના વર્ષનો આ અંતિમ IPO હતો. નેશનલ સ્ટોક એકચન્જ પર એન્ટની વેસ્ટનો શેર પ્રીમિયમ સાથે લિસ્ટ થતાં જેમને આ આઈપીઓ લાગ્યો હતો તે રોકાણકારો ગેલમાં આવી ગયા છે. ૩૧૫ રૂપિયાના ઈશ્યૂ ભાવની સામે આ શેર ૪૩૬.૧૦ રૂપિયા સાથે ખુલ્યો હતો. બીએસઈ પર આ શેર ૩૬.૫૧ ટકા પ્રીમિયમ સાથે ૪૩૦ રૂપિયા પર ખુલ્યો હતો.

સવારના ૧૧.૧૫ વાગ્યે આ શેર BSE અને NSE પર ૪૬૧.૫૦ રૂપિયા અને ૪૬.૬૨%ના વધારા સાથે ટ્રેક થઈ રહ્યો હતો. NSE પર શેરનું વોલ્યૂમ એક કરોડથી વધારે અને BSE પર ૧૪ લાખથી વધારે જોવા મળ્યું હતું. એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો ૩૦૦ કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ તારીખ ૨૩ ડિસેમ્બરના રોજ બંધ થયો હતો. આ આઈપીઓ ૧૫ ગણો છલકાયો હતો.

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલ એ ઇન્ડિયન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ટોચનું સ્થાન ધરાવનાર કંપનીઓમાં સામેલ છે. કંપની ૧૯ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. કંપની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ MSW સેવા જેવી કે સોલિડ વેસ્ટ કલેકશન, ટ્રાન્સપોર્ટેશન, પ્રોસેસિંગ અને ડિસ્પોઝલ આપે છે.

તાજેતરમાં જ મિસિઝ બેકટર્સ ફૂડનો આઈપીઓ (Burger King IPO) આવ્યો હતો. આ કંપનીનો શેર ૨૪મી ડિસેમ્બરના રોજ શેરબજારમાં લિસ્ટ થયો છે. આ શેર ૭૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો. એટલે કે જેમને પણ શેર લાગ્યા હતા તે તમામને સીધું ૭૪ ટકા વળતર મળ્યું હતું. મિસિઝ બેકટર્સનો શેર ઓફર પ્રાઇઝ ૨૮૮ રૂપિયા સામે દિવસના અંતે ૧૦૬.૭૯ ટકાના વધારા સાથે ૫૯૫.૫૫ રૂપિયા પર બંધ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૧૪ ડિસેમ્બરના રોજ બર્ગર કિંગનો શેર લિસ્ટેડ થયો હતો. આ શેર ૯૨ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.૧૪મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ. ૬૦ની સામે ૧૩૧ પર બંધ રહ્યો હતો. એટલે કે રોકાણકારોને પ્રથમ દિવસે જ ૧૩૮.૪૦ ટકાનો લાભ થયો હતો.

૨૦૨૦ના નાણાકીય વર્ષમાં કંપનીઓએ IPOના માધ્યમથી આશરે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આ તમામ આઈપીઓમાંથી પાંચ આઈપીઓ એવા હતા જેમણે રોકાણકારોને પ્રથમ દિવસે જ ૫૦ ટકાથી વધારે વળતર આવ્યું હતું. જેમાંથી બે આઈપીઓ એવા હતી જેમના શેરની કિંમત પ્રથમ દિવસે જ બેગણી થઈ ગઈ હતી.

૧) બર્ગર કિંગ ઇન્ડિયાઃ ૧૪મી ડિસેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ રૂ.૬૦ની સામે ૧૩૧ પર બંધ રહ્યો હતો. પ્રથમ દિવસે ૧૩૮.૪૦ ટકાનો લાભ.

૨) હેપ્પીએસ્ટ માઇન્ડ્સ ટેકનોલોજીસૅં ઇશ્યૂ પ્રાઇસ ૧૬૬ સામે પ્રથમ દિવસ શેરનો ભાવ ૩૭૧.૦૦ પર બંધ રહ્યો. ૧૭ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ ૧૨૩ ટકાનો લાભ થયો.

૩) મિસિઝ બેકટર્સ ફૂડ સ્પેશિયાલિટિઝ લિમિટેડઃ ઇશ્યૂ પ્રાઇસ ૨૮૮ સામે પ્રથમ દિવસ શેરનો ભાવ ૫૯૫.૫૫ પર બંધ રહ્યો. ૨૪ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ શેરમાં રોકાણકારોને પ્રથમ દિવસ ૧૦૬.૭૯ ટકાનો લાભ થયો.

૪) રૂટ મોબાઇલઃ ૨૧ સપ્ટેમ્બરના રોજ લિસ્ટેડ થયેલા શેરનો ભાવ પ્રથમ દિવસ ૩૫૦ સામે ૬૫૧.૧૦ રૂપિયા બોલાયો. IPO લાગ્યો તે રોકાણકારોને પ્રથમ દિવસે ૮૬ ટકા વળતર મળ્યું.

૫) રોસારી બાયોટેકઃ ૨૩ જુલાઇના રોજ લિસ્ટેડ શેરમાં પ્રથમ દિવસે ૭૫ ટકાનું વળતર જોવામાં આવ્યું. ૪૨૫ના ઇશ્યૂ પ્રાઇસ સામે શેર ૭૪૨.૩૫ પર બંધ રહ્યો.

(3:46 pm IST)