Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

PM મોદીની નવા વર્ષની ભેટ

માત્ર પોણા પાંચ લાખમાં પુરૂ થશે પોતાના ઘરનું સપનુ

વડાપ્રધાન મોદીએ નવા વર્ષે રાજકોટ સહિત દેશના ૬ શહેરોને સસ્તા મકાનની ભેટ આપી, 'લાઇટ હાઉસ પ્રોજેકટ'નો શિલાન્યાસ કર્યો

નવી દિલ્હી, તા.૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નવા વર્ષના પ્રથમ દિવસે શહેરોમાં વસતા ગરીબ લોકોને ભેટ આપી છે. પીએમ નરેન્દ્રભાઇ મોદીએ શુક્રવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા છ રાજયોમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા હેઠળ લાઇટ હાઉસ (LHP) પ્રોજેકટ્સનો શિલાન્યાસ કર્યો હતો. જણાવી દઈએ કે, એલએચપી હેઠળ કેન્દ્ર સરકાર છ શહેરોમાં ઈન્દોર, ચેન્નાઈ, રાંચી, અગરતલા, લખનઉ અને રાજકોટમાં ૧૦૦૦-૧૦૦૦થી વધુ મકાનો બનાવશે.

હકીકતમાં, ગ્રીન કન્સ્ટ્રકશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરી ગરીબોને છત પૂરી પાડવા એલએચપી પ્રોજેકટ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે મકાનો બનાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત ૪૧૫ ચોરસફૂટના ફ્લેટ ફકત પોણા પાંચ લાખ રૂપિયામાં શહેરી ગરીબો (EWS)ને સોંપવામાં આવશે.

મળતી માહિતી મુજબ મકાનોની કિંમત ૧૨.૫૯ લાખ રૂપિયા છે, જેમાંથી ૭.૮૩ લાખ રૂપિયા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ તરીકે આપવામાં આવશે. બાકીના ૪.૭૬ લાખ રૂપિયા લાભાર્થીઓએ ચૂકવવા પડશે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) મુજબ ફ્લેટની ફાળવણી કરવામાં આવશે.

લાઇટ હાઉસ પ્રોજેકટની ખાસિયતો

૩૪.૫૦ ચોરસ મીટર કાર્પેટ એરિયા

૧૪ માળનું ટાવર હશે

૧,૦૪૦ ફ્લેટ તૈયાર કરાશે

૪૧૫ ચોરસ ફૂટનો હશે ફ્લેટ

લખનૌમાં આ પ્રોજેકટ અંગે યુપીના શહેરી વિકાસ પ્રધાન આશુતોષ ટંડને કહ્યું કે શહીદ પથ પર સ્થિત અવધ વિહાર યોજનામાં આ પ્રોજેકટ લાગુ કરવામાં આવી રહ્યો છે. નવી ટેકનોલોજીના ઉપયોગને કારણે બાંધકામ લગભગ એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. પ્રી ફેબ્રિકેટેડ સામગ્રીનો ઉપયોગ કરવાથી મકાનો વધુ ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ રહેશે.

(3:21 pm IST)