Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ચીનમાં નવા કોરોના વાયરસ સ્ટ્રેનનો પહેલો કેસ સામે આવતા ખળભળાટ

શાંઘાઈની એક ૨૩ વર્ષીય યુવતીમાં નવા સ્ટ્રેનના લક્ષણઃ યુવતી ૧૪ ડિસેમ્બરે બ્રિટનથી ચીન પરત ફરી હતી

બીજીંગ,તા. ૧: ચીનમાંથી કોરોનાને લઇને ફરી ચિંતાજનક સમાચાર આવી રહ્યાં છે. ચીનમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો છે. શાંઘાઇની એક ૨૩ વર્ષીય યુવતીમાં નવા સ્ટ્રેનના લક્ષણ જોવા મળ્યાં છે. યુવતી ૧૪ ડિસેમ્બરે બ્રિટેનથી ચીન પરત ફરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન બ્રિટનમાંથી સૌથી પહેલા સામે આવ્યો હતો, ત્યાર બાદ આ સ્ટ્રેન દુનિયાના અન્ય દેશમાં ફેલાયો છે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા વૈજ્ઞાનિકો અને દુનિયાના લોકોમાં ભય અને હડકંપ મચી ગયો છે. બ્રિટેને પણ પોતાના દેશમાં નવા સ્ટ્રેનને લઇને કડક પગલા લીધા છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસને આ મુદ્દાને ધ્યાનમાં લઇને બ્રિટેનમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન લાગુ કર્યું છે.  બ્રિટેનમાં ૩૧ ડિસેમ્બરથી ઇંગ્લેન્ડની જનસંખ્યાની ૩/૪ ભાગમાં કડક લોકડાઉન લાગુ કરી દીધું છે.

જયારે અન્ય દેશમાં કોરોનાના સામે ચાલી રહેલ રસીકરણ અભિયાનની વચ્ચે વેકસીનને લઇને ચીન દ્વારા પણ એક ખુશખબરી આપી છે. ગુરુવારના રોજ ચીનની સરકારી કંપની 'સિનોફાર્મ' દ્વારા વિકસિત કોરોનાની વેકસીનને શરતોને આધિન મંજૂરી આપવામાં આવી છે. આ ચીનની પહેલી એવી વેકસીન છે, જેને આમ જનતાના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

દેશના ચિકિત્સા ઉત્પાદન પ્રશંસનના ઉપયૂકત ચેન શિફેઇએ ગુરૂવારે જણાવ્યું કે આ નિર્ણય બુધવારના રાતે લેવામાં આવ્યો. એક મળતા રિપોર્ટ અનુસાર કોરોનાથી બચવા માટે 'બીજીંગ ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડકટસ'ની આ વેકસીનની બે ડોઝ લોકોને આપવામાં આવશે. ખરેખર, આ સિનોફાર્મની સહાયક કંપની છે.

સિનોફાર્મ કંપનીએ બુધવારે જ કહ્યું હતું કે આ વેકસીન તપાસના અંતિમ તબક્કાના પ્રારંભિક પરિણામ મુજબ સંક્રમણથી બચાવામાં ૭૯.૩૪ ટકા પ્રભાવી છે. 'બીજીંગ ઇન્સ્ટીટયૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડકસ' દ્વારા પોતાની વેબસાઇટ પર આ અંગેની જાણકારી આપી હતી કે તેણે પોતાની વેકસીનના ત્રીજા અને અંતિમ તબક્કાના પરીક્ષણ બાદ તેને મંજૂરી આપવા અંગે અરજી કરી છે, જેને મંજૂરી મળી ગઇ છે.

જો કે આ વેકસીનને મંજૂરી મળતા પહેલા જ ચીનમાં અંદાજે ૧૦ લાખ લોકોને તેની રસી લગાવામાં આવી છે. એક રિપોર્ટમાં જણાવામાં આવ્યું હતું કે જેમાં કોઇપણ પ્રકારની ગંભીર સાઇડ-ઇફેકટ જોવા મળી નથી. આ વેકસીનની કીંમત શું હશે, તેનો ખુલાસો હજુ સુધી કરવામાં આવ્યો નથી, પરંતુ સિનોફાર્મ કંપનીના ચેરમેન લિઉ જિંન્ગજેને ઓગસ્ટ મહીનામાં જ કહ્યું કે જયારે આ વેકસીન માર્કેટમાં સામે આવશે ત્યારે તેની કિંમત ૧૦૦૦ ચીન યુઆન એટલે કે અંદાજે ૧૦,૦૦૦ રુપિયાથી ઓછી હશે.

(10:06 am IST)