Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

નવા વર્ષે સારા સમાચારઃ હવે કાળમુખો કોરોના મરણ પથારીએ

૬ મહિનામાં સૌથી ઓછા કેસ બહાર આવ્યાઃ જૂન ૨૦૨૦ બાદ પહેલીવાર ડીસેમ્બરમાં કોરોનાના કેસ ૧૦ લાખથી ઓછા રહ્યાઃ ડીસેમ્બરમાં કેસની સાથોસાથ મૃત્યુ પણ ઘટયાઃ ડીસેમ્બરમાં નવેમ્બરની સરખામણીએ ૫૦ ટકાથી ઓછા કેસ સામે આવ્યાઃ રાહતની લાગણી

નવી દિલ્હી, તા. ૧ :. દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી નીચે આવી રહ્યો છે. કોવીડ-૧૯ સાથે જોડાયેલા આંકડા જણાવે છે કે નવા વર્ષમાં કોરોના દમ તોડી રહ્યો છે. ડીસેમ્બર ૨૦૨૦માં છેલ્લા ૬ મહિનાની સરખામણીમાં કોરોનાના સૌથી ઓછા કેસ સામે આવ્યા હતા, તો મે પછી ડીસેમ્બરમાં સૌથી ઓછા મોત પણ નોંધાયા હતા.

જૂન ૨૦૨૦ બાદ પહેલીવાર એવુ બન્યુ છે કે દેશમાં કોરોનાના કેસ ૧૦ લાખથી ઓછા રહ્યા હોય. ડીસેમ્બરમાં નવેમ્બરની સરખામણીમાં ૩૫ ટકા ઓછા એટલે કે ૮૨૪૦૦૦ કેસ સામે આવ્યા હતા. નવા વર્ષે આ રાહતભર્યા સમાચાર છે. જો આંકડાઓ ઉપર નજર નાખીએ તો ૩૦ નવેમ્બરે દેશમાં સરેરાશ દર્દીઓની સંખ્યા ૪૦૮૬૮ હતી જે એક મહિના બાદ ૩૦ ડીસેમ્બરે ઘટીને લગભગ અડધી ૨૦૫૦૭ થઈ છે. એટલે કે ૫૦ ટકા ઓછા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પણ કોવીડની સ્થિતિ સુધરી રહી છે. ૨૩ ડીસેમ્બરે દિલ્હીમાં કોવીડ પોઝીટીવીટી રેટ સૌથી ન્યુનત્તમ સ્તર ૧ ટકાથી પણ ઓછો નોંધાયો હતો. દિલ્હીમાં પણ નવા દર્દીઓ ઘટી રહ્યા છે.

રાહતભર્યા સમાચાર વચ્ચે કોરોનાના નવા સ્વરૂપનો ખોફ જારી છે. અત્યાર સુધીમાં દેશમાં ૨૫ લોકો આ નવા સ્વરૂપથી સંક્રમિત થયા છે જે આઈસોલેશનમાં છે. ૨૩ ડીસે. સુધીમાં ભારતમાં કુલ ૩૩૦૦૦ લોકો બ્રિટનથી આવ્યા હતા. સ્વાસ્થ્ય ટીમ આ બધા દર્દીઓ સાથે આવેલા યાત્રીકો અને તેમના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યો વિશે માહિતી મેળવી રહી છે.

(11:06 am IST)