Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

રૂ.૬ લાખથી ૧૮ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો પ્રથમ વખત મકાન ખરીદતા હોય તો ૨૦૨૦ સુધી હોમલોનમાં સબસીડી યોજના અંતર્ગત અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ નવા વર્ષે જો ઘર ખરીદવાનો પ્લાન હોય તો તેમના માટે સારા સમાચાર છે. રૂ. 6 લાખથી 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો જો પ્રથમ વખત ઘર ખરીદતા હોય તો તેઓ માર્ચ 2020 સુધી હોમલોનમાં સબસીડી યોજના અંતર્ગત એપ્લાય કરી શકે છે. શહેરી વિકાસ વિભાગના મંત્રી હરદિપસિંહ પુરીએ સોમવારે અંગે એલાન કર્યું હતું. પુરીએ જણાવ્યું હતું કે, મધ્યમવર્ગીય લોકો માટે ક્રેડિટલિંક સબસીડી સ્કિમનું પ્રદર્શન અને ગ્રોથ ઘણો સારો છે. વર્ષના અંત સુધીમાં આશરે એક લાખ લોકોને તેનો ફાયદો થવાનો છે.

આવાસ માટે મળશે સબસીડી

વડા પ્રધાન મોદીએ 31 ડિસેમ્બર 2016ના રોજ યુવા વ્યવસાયિકો અને ઉદ્યોગકર્મીઓ માટે સસ્તા આવાસ પ્રાપ્ય કરાવવા માટે આવાસ સબસીડીમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. યોજના અંતર્ગત લાભાર્થીઓને રૂ.2.67 લાખ રૂપિયા સુધીની છૂટ મળે છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, 31 માર્ચે પૂરી થનારી યોજનાની વેલિડિટી વધુ એક વર્ષ લંબાવી દેવામાં આવી છે. યોજના અંતર્ગત મધ્યમવર્ગીય લોકોને મકાન ખરીદવા માટે મળતા આવાસ વ્યાજદરમાં 3 થી 6.5 ટકા સુધીની સબસીડી મળી રહે છે. યોજના અંતર્ગત 3.14 લાખ લાભાર્થીઓને આવાસના વ્યાજદરમાં 69 હજાર કરોડ રૂપિયાની સબસીડી આપી દેવામાં આવી છે.

93,000 લોકોને થયો ફાયદો

પૂરીએ જણાવ્યું હતું કે, યોજના અંતર્ગત વર્ષ 2018માં 93,000 લોકોએ યોજનાનો લાભ લીધો હતો. સબસીડીની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરી દેવામાં આવે છે. પીએણએવાય અંતર્ગત શહેરી વિસ્તારમાં 2022 સુધી દેશના તમામ નાગરિકોને પોતાનું ઘર આપવા માટેનો લક્ષ્યાંક સિદ્ધ કરવાનો વિશ્વાસ પૂરીએ વ્યક્ત કર્યો હતો. એક કરોડ ઘર બનાવવાના અભિયાન અંતર્ગત અત્યાર સુધી 68.7 લાખ ઘરના બાંધકામ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. કુલ 36.65 લાખ ઘરનું નિર્માણકાર્ય ચાલું છે ત્યારે 13.40 લાખ ઘરમાં લગભગ 12 લાખ લાભાર્થીઓને મકાન ફાળવી દેવામાં આવ્યા છે.

(4:32 pm IST)