Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વાળંદે વાળની સાથે સાથે કાન પણ કાપી નાખ્યો

ન્યુયોર્ક, તા. ૩૦ : ખૂબ જ હોંશથી કોઇ પ્રસંગ કે તહેવાર માટે તૈયારી કરતા હો અને એમાં ફિયાસ્કો થાય તો કેવું લાગે ? એમાં પણ જો વાત તમારી હેરસ્ટાઇની હોય તો ? ચહેરાની ખૂબસૂરતીમાં વધારો કે ઘટાડો કરવામાં માણસની હેરસ્ટાઇલ મહત્વનો ભાગ ભજવતી હોય છે અને જો એ જ ખરાબ થઇ જાય તો પ્રસંગ કે તહેવારની મજા જ બગડી જાય. લગભગ દરેક વ્યકિત સાથે જીવનમાં એકાદ વાર તો આવું બન્યું જ હશે. જોકે જેવું અમેરિકાના વિસ્કોન્સિનના એક યુવક સાથે થયું એ તો ખરેખર ભયંકર છે.

બાવીસ વર્ષનો આ યુવક ક્રિસમસમાં નવી હેરસ્ટાઇલ કરાવવા માટે વાળંદ પાસે ગયો અને તેને પોતાના કટ વિશેની ઇચ્છા દર્શાવી. તેણે માથાની બન્ને તરફના વાળને વિશેષ રીતે શેપ આપવા તથા માથાના પરના વાળને સામાન્ય ઓછા કરવા જણાવ્યું. તે ખુરસી પર બેઠો અને વાળંદે તેનો કાન આમળીને વાળ કાપવાની શરૂઆત કરી. વાળંદે તેને ટટ્ટાર બેસવાની તાકીદ પણ કરી અને અચાનક યુવકના કાન પર જ કાતર ફેરવી દીધી. તેણે માથાના પર વિચિત્ર રીતે ઇલેકિટ્રક રેઝર ફેવી વાળને વચ્ચેથી ઉડાડી દીધા. વાળંદનું બચાવમાં કહેવું છે કે તે યુવક ટટ્ટાર બેસતો ન હોવાથી તેના કાન પર કાતર ફરી ગઇ હતી, પરંતુ યુવકે વાળંદે જાણી જોઇને આવા હાલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે જાણી જોઇને ઇજા પહોંચાડવાના આરોપસર ૪૬ વર્ષના વાળંદની ધરપકડ કરી છે. હા, પેલા યુવકે માથાના બધા જ વાળ કઢાવીને ટકામૂંડાની વિશેષ હેરસ્ટાઇલ સાથે જ આ વર્ષે ક્રિસમસ મનાવવી પડશે.

(3:44 pm IST)