Gujarati News

Gujarati News

News of Tuesday, 30th July 2019

સાઉદી અરેબિયા હોટલ ક્ષેત્રમાં વિદેશીયોને નોકરી નહિ આપે

સાઉદી લોકોને અપાશે પ્રાધાન્ય

દુબઇ, તા.૩૦: સાઉદી અરેબિયાએ એવો નિર્ણય લીધો છે કે તેઓ હોટલ સેકટરમાં વિદેશીઓને નોકરી નહીં આપે. આ કારણે હોટલોમાં કામ કરતા વિદેશી નાગરિકો પર ખૂબ મોટી અસર પડશે. સાઉદી અરેબિયાના આ નિર્ણયની ભારત પર પણ અસર પડશે કારણકે લાખોની સંખ્યામાં ભારતીયો આ દેશમાં રોજગારી માટે રહે છે. સાઉદી સરકારે આ નિર્ણયને આ વર્ષના અંત સુધીમાં લાગુ કરવાની વાત કરી છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ સાઉદી શ્રમ મંત્રાલય તરફથી શુક્રવારના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે આ નિર્ણય રિસોર્ટ્સ, થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટલો અને હોટલ એપાર્ટમેન્ટ્સ પર લાગુ પડશે. અહીં રિસેપ્શનથી લઈને મેનેજમેન્ટ સુધીની નોકરીઓમાં સાઉદીના નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ, ડ્રાઈવરો, સિકયોરિટી ગાર્ડ્સ અને કુલી તરીકે વિદેશી લોકોને નોકરીઓની તક મળી શકશે.

આ સિવાય રેસ્ટોરન્ટ હોસ્ટ અને હેલ્થ કલબ સુપરવાઈઝર જેવી નોકરીઓ પણ સાઉદી મૂળના લોકો માટે આરક્ષિત કરવામાં આવશે. કાચા તેલના સપ્લાઈથી સતત ઘટી રહેલી કમાણી બાદ સાઉદી અરબ વિકલ્પ તરીકે ટૂરિઝમ ઈન્ડસ્ટ્રી મજબૂત કરી રહ્યું છે. ગત વર્ષે સાઉદીમાં બેરોજગારીનું સ્તર ૧૩ ટકા સુધી પહોંચી ગયું હતું, જે અત્યાર સુધી સૌથી વધારે છે. તેવામાં સાઉદી અરબે હોસ્પિટાલિટી સેકટરમાં નોકરીઓનું 'સાઉદીકરણ' કરવાનો નિર્ણય લીધો છે.

સાઉદી અરબમાં આ સેકટર મોટા પ્રમાણમાં પ્રાઈવેટ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે અને વિદેશી નાગરિકો તેમાં મોટા પદો પર પણ મોટી સંખ્યામાં છે. આ સેકટરમાં ભારતીય મૂળના લોકોની પણ વધુ સંખ્યા છે. તેવામાં સાઉદી સરકારનો આ નિર્ણય ભારતીય સમુદાયના લોકો માટે એક મોટો ઝટકો છે.

(10:13 am IST)