Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જનીન બદલીને બે બાળકીઓ પેદા કરી હોવાનો ચીનના પ્રોફેસરે કર્યો દાવો

બીજીંગ તા.૨૯: ચીનમાં એક અભ્યાસકર્તાના દાવાની દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. જિયાનકુઇ નામના એક સંશોધકનો દાવો છે કે તેણે જનીનગત બંધારણમાં બદલાવ કરીને બે બાળકીઓ પેદા કરી છે. જો કે આ પ્રયોગ તેણે કોના પર કર્યો છે અને આ બાળકીઓ કોણ છે એ જાહેર કરવાની તેણે ના પાડી દીધી છે. પ્રોફેરસનો દાવો છે કે આ બે બાળકીઓને એચઆઇવી જેવા ઇન્ફેકશનથી બચાવવા માટે જનીમાં બદલાવ કર્યો છે. હાલમાં આ બંન્ને બાળકીઓ સ્વસ્થ અને સુરક્ષિત છે.

ઘણા દેશોમાં જનીનગત સંશોધનો પર પ્રતિબંધ છે કેમ કે એનાથી આવનારી પેઢી પર અસર પડી શકે છે એટલે ચીનનું સ્વાસ્થય ખાતું પણ સાબદું થઇ ગયું છે અને આ વિષયમાં ઊંડી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જિયાનકુઇનો દાવો છે કે તેણે જનીનમાં બદલાવ કરીને મૂળભૂત કોષમાં જ પરિવર્તન કરવામાં સફળતા મેળવી છે. જો આ વાત સાચી અને આડઅસર વિનાની હશે તો જનીનવિજ્ઞાનનાં ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરાશે.(૧.૮)

(11:37 am IST)