Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કપલે લગ્નનું આમંત્રણ આપ્યું, પણ સાથે કહ્યું કે ૧ લાખનો ચેક આપવાના હો તો જ આવજો

ટોરેન્ટો તા. ર૯ :.. આપણે ત્યાં હવે લગ્નની કંકોત્રી સાથે ચાંદલાપ્રથા બંધ છે એવું લખવાની ફેશન છે. જો કે કેનેડામાં રહેતા એક યુગલે તો સગા-સંબંધીઓ પાસેથી ચાંદલો કે ગિફટ નહીં, રીતસરની ઉઘરાણી જ માંડી દીધી હતી. કેનેડામાં રહેતી સુઝેન નામની કન્યાએ પોતાનાં લગ્નની આખીયે ઘટના ફેસબુક અકાઉન્ટ પર વર્ણવી છે. લગ્નઘેલા લોકો આવું પણ કરી શકે છે એ માનવું અઘરુ છે. થોડાક મહિના પહેલાં સુઝેને પોતાનાં લગ્નની તૈયારીઓ આરંભી. તે ૧૪ વર્ષની ઉમરે પ્રેમમાં પડેલી અને ૧૮ વર્ષની ઉંમરે યુવકતે તેને પ્રપોઝ કરેલું. ર૦ વર્ષની ઉમરે તો તે મા બની ચૂકી હતી. એ પછી તેણે એ જ રાજકુમાર સાથે લગ્ન કરવાનું નકકી કર્યું. પોતાને પ્રિન્સેસથી જરાય કમ ન માનતી સુઝેને પોતાનાં લગ્ન અત્યંત ધામધુમથી પ્લાન કર્યા હતાં. બજેટ માંડયું તો પોતાની કલ્પના મુજબની જાહોજલાલી કરવી હોય તો લગભગ ૪ર લાખ રૂપિયાનો ખર્ચ થાય એમ હતો. તેની અને બોયફ્રેન્ડની પાસે મળીને ખિસ્સામાં માત્ર દસ લાખ રૂપિયા જ હતાં. વધારાના પૈસાની જોગવાઇ કરવા માટે સૂઝેને પોતાના અને બોયફ્રેન્ડના મિત્રો  અને સંબંધીઓ પાસેથી જ એ પૈસા વસુલવાનું નકકી કર્યુ. તેણે બાઅદબ લોકો પાસે માગ્યું અને કહયું કે 'અમે લગ્ન બહુ જ ભવ્ય રીતે કરવા માગીએ છીએ. જો તમે ૧પ૦૦ ડોલર એટલે કે લગભગ એક લાખ રૂપિયાનો ચેક આપવાના હો તો જ તમને એમાં આવવાનું આમંત્રણ છે.'

શરૂઆતમાં તો કેટલાક મિત્રોએ મદદ કરવાની તૈયારી બતાવી, પણ પછી ખબર નહીં કેમ વારાફરતી બધા જ લગ્નમાં નથી આવવું એવા નિર્ણય પર આવી ગયા. કોના કેટલા મિત્રોએ પૈસા આપવાની ના પાડી એ બાબતે સુઝેનનો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો. લગ્ન કરવા હતાં. પણ પૈસા કોઇ આપે એમ નહોતું. બીજી  તરફ ઝઘડો  થયો અને વાત વકરીને બ્રેકઅપ પર આવી ગઇ અને લગ્ન જ ફોક થયાં.

આ કહાની અહીં જ અટકતી નથી. સુઝેનમેડમે પોતાની આ અંગત જિંદગીની આખીયે વાત ફેસબુક પર વર્ણવી છે અને એક લાખ રૂપિયા ન આપનારા મિત્રોને ખરીખોટી સંભળાવીને પોતાના લગ્ન તૂટી ગયા એ માટે જવાબદાર ઠેરવ્યા છે. (પ-૧ર)

(11:41 am IST)