Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ગુસ્સો આવ્યો તો એકલે હાથે જ પતાવી દીધો ૨૩ ફૂટનો એનાકોન્ડા

જાકાર્તા તા. ૨૯ : સામાન્ય રીતે ઘરમાં નાની ગરોળી ફરતી જોવા મળે તો પણ લોકો ડરી જતાં હોય છે. જયારે ઈન્ડોનેશિયાના એક સિકયોરિટી ગાર્ડની હિંમત જોઈ તમને આશ્ચર્ય થશે. રસ્તા વચ્ચે જ આ ગાર્ડને ૨૩ ફૂટ લાંબો એનાકોન્ડા મળી ગયો હતો. આ એનાકોન્ડાની અને સિકયોરિટી ગાર્ડની લડાઈ જામી હતી. જેમાં અંતે સિકયોરિટી ગાર્ડની જીત થઈ હતી.

રોબર્ટ નાબાબમ નામનો આ સિકયોરિટી ગાર્ડ જયારે કામ પરથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે બે લોકો એક વિશાળ એનાકોન્ડાના કારણે રસ્તો પાર કરતાં ડરી રહ્યાં છે. તેણે સાથે મળીને એનાકોન્ડાને હટાવવાની કોશિશ કરી પરંતુ તે ટસથી મસ થયો નહોતો. એનાકોન્ડાએ કરેલા હુમલાના કારણે રોબર્ટનો એક હાથ લોહીલુહાણ થઈ ગયો હતો.

બન્ને વચ્ચે થોડા સમય સુધી ભીષણ યુદ્ઘ જેવી સ્થિતિ થઈ હતી. જોકે, અંતમાં રોબર્ટની જીત થઈ હતી. જોકે, એ જાણવામાં નથી આવ્યું કે રોબર્ટે આ એનાકોન્ડાને કઈ રીતે માર્યો. રોબર્ટનો એક હાથ કપાઈ ગયો છે અને હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.(૨૧.૮)

 

(9:37 am IST)