Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

પોર્ટુગલમાં એક હુમલાખોરે ઇસ્લામિક સેન્ટરમાં ચપ્પુ ચલાવતા બેના મૃત્યુ

નવી દિલ્હી: પોર્ટુગલની રાજધાની લિસ્બનમાં ઇસ્લામિક સેન્ટરમાં એક વ્યક્તિએ લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોર્ટુગીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે શંકાસ્પદને કાબૂમાં લીધો અને તેની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસને મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ (સ્થાનિક સમય મુજબ) ઈસ્લામિક કેન્દ્ર પર હુમલાની માહિતી મળી હતી. ત્યારપછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં તેમનો સામનો હુમલાખોર સાથે થયો હતો, જે એક મોટું ચપ્પુ લઈને આવ્યો હતો. અહેવાલ અનુસાર આ હુમલામાં ઈસ્માઈલી સેન્ટરની બે મહિલા કર્મચારીઓ આ હુમલામાં મૃત્યુ પામી હતી. જેમની વય 49 અને 24 વર્ષ જણાવાઈ હતી.  પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતકોની સત્તાવાર ઓળખ હાલમાં હજુ થઈ શકી નથી. તેમણે કહ્યું કે અમને શંકા છે કે આ એક આતંકવાદી હુમલો છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે હુમલાખોર અફઘાન શરણાર્થી અને ત્રણ બાળકોનો પિતા છે.તે જ સમયે, પોર્ટુગલના વડા પ્રધાન એન્ટોનિયો કોસ્ટાએ ઇસ્લામિક સેન્ટર પર હુમલાની નિંદા કરી છે. તેમણે ટ્વીટ કરીને પીડિતોના પરિવારો અને પોર્ટુગલના ઈસ્માઈલી સમુદાય સાથે સંવેદના અને એકતા વ્યક્ત કરી. કોસ્ટાએ કહ્યું કે હુમલા પાછળના હેતુ વિશે અનુમાન લગાવવું ખૂબ જ વહેલું છે. તપાસના પરિણામોની રાહ જોવી પડશે.

 

(7:04 pm IST)