Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

અમેરિકા-ઇઝરાયલના સંબંધોમાં તિરાડ પડી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકા અને ઈઝરાયેલના ખરાબ થઈ રહેલા સબંધો પર વધુ એક મહોર લાગી ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ન્યાયિક પ્રણાલીમાં સુધારાની વિવાદાસ્પદ યોજના પાછી ખેંચવાની સલાહ આપી હતી પરંતુ નેતન્યાહુએ તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. આટલું જ નહીં તેમણે બાયડનને જવાબમાં અહીં સુધી કહી દીધુ કે, તેમનો દેશ પોતાના નિર્ણય ખુદ લઈ શકે છે. ભલે સલાહ કોઈ શ્રેષ્ઠ મિત્ર દ્વારા કેમ ન આપવામાં આવી હોય. બંને દેશોના નેતાઓ વચ્ચે જાહેર રીતે આ પ્રકારની અસહમતિ વ્યક્ત કરવી તે સામાન્ય બાબત નથી. આ ઘટના એ પણ દર્શાવે છે કે, ન્યાયિક ફેરફારો માટે નેતન્યાહુના પ્રસ્તાવને લઈને ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે મતભેદો ઉભા થયા છે. નેતન્યાહુની ન્યાયિક સુધારણા યોજનાનો દેશમાં અભૂતપૂર્વ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરવાને કારણે ઘરેલું સંકટની સ્થિતિ શરૂ થઈ હતી ત્યારબાદ નેતન્યાહુએ આ યોજનાને સ્થગિત કરી દીધી હતી. જ્યારે બાયડનને મંગળવારે પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે, તેઓ ન્યાયિક સુધારણા બિલમાંથી શું અપેક્ષા રાખે છે ત્યારે યુએસ પ્રમુખે કહ્યું હતું કે, હું આશા રાખુ છું કે, તેઓ તેને પાછું ખેંચી લે. બાયડને કહ્યું કે, નેતન્યાહૂની સરકાર આ માર્ગ પર આગળ વધવાનું ચાલુ ન રાખી શકે. અને તેમણે આ યોજનાને લઈને કરાર કરવાનો આગ્રહ કર્યો છે. નેતન્યાહુએ આના જવાબમાં કહ્યું કે, ઈઝરાયેલ એક સાર્વભૌમ દેશ છે અને તે પોતાના લોકોની ઇચ્છા અનુસાર નિર્ણયો લે છે, અન્ય દેશોના દબાણ હેઠળ નહીં. પછી ભલે તેઓ શ્રેષ્ઠ મિત્રો કેમ ન હોય.

(7:02 pm IST)