Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

થાઈલેન્ડનું એક શહેર ખોરાકની દર્ષ્ટિએ અલગ જ સ્તર પર હોવાની માહિતી

નવી દિલ્હી: સામાન્ય રીતે થાઈલેન્ડમાં ખોરાકની દ્રષ્ટિએ ઘણી વિવિધતા રહેલી છે. ઘણા પ્રવાસીઓ ફૂડ કલ્ચરની શોધખોળ માટે થાઈલેન્ડ આવે છે. જોકે થાઈલેન્ડનું એક શહેર ખોરાકની દ્રષ્ટિએ અલગ જ સ્તર પર છે. ત્રાંગ નામના આ શહેરમાં લોકો સામાન્ય રીતે સૂર્યોદય થાય તે પહેલા નાસ્તો પૂરો કરી લે છે.

        ત્રાંગના લોકો ખોરાકને લઈ ખૂબ જ ગંભીર હોય છે. થાઈલેન્ડમાં જ્યાં લોકો ત્રણ કે ચાર વખત ખાવાનું પસંદ કરે છે, ત્યાં ત્રાંગના લોકો માટે દિવસમાં 8થી 10 વખત જમવું પણ સામાન્ય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ડિમ સમ, રોસ્ટ પોર્ક અને ડીપ ફ્રાય ડફ જેવી વાનગીઓ આ શહેરમાં ખૂબ જ લોકપ્રિય છે. અહીંના લોકોની ખાવાની ચોઈસને જોતા રેસ્ટોરન્ટમાં ઘણા પ્રકારના કર્મચારીઓને કામ પર રાખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ત્રાંગની રેસ્ટોરન્ટમાં 24 કલાક કર્મચારીની જરૂર પડે છે. વાસ્તવમાં ત્રાંગની આસપાસ રબર ફાર્મિંગનો ઉદ્યોગ ધમધમે છે. આ ઉદ્યોગના કારણે જે લોકો રબરના ઝાડમાંથી લેટેક્સ એકત્રિત કરવાનું કામ કરે છે તેમને સવારે 2 વાગ્યે ઉઠવાની ફરજ પડે છે. આ કારણોસર સૂર્યોદય થાય તે પહેલા તેઓ બેવાર ખાઈ ચૂક્યા હોય છે. આ સિવાય જે લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે, તેઓ સામાન મેળવવા માટે સવારે 4 વાગ્યે નીકળી જાય છે. નાની હોટલના કર્મચારી મોટાભાગે સવારે 3 વાગ્યે ઉઠીને ડિપ ફ્રાય ડફ બનાવે છે. તેઓ સવારના પાંચ વાગ્યાથી નાસ્તો સર્વ કરવાનું શરૂ કરે છે અને 7થી 8 વાગ્યા સુધીમાં તેમનો નાસ્તો પૂરો થઈ ચૂક્યો હોય છે.

(3:58 pm IST)