Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

પીકૂના અમિતાભ બચ્ચન જેવી સમસ્યા હોય ત્યારે સંમોહન પદ્ધતિની ટ્રાય કરી શકાય

લંડન, તા. ૨૮ :. ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ એ હવે મિડલ-એજ કે વૃદ્ધોમાં જ નહીં, યંગ પ્રોફેશનલ્સને પણ સતાવતી સમસ્યા થઈ ગઈ છે. ગેસ્ટ્રોએન્ટરોલોજી અને હેપેટોલોજી જર્નલમાં છપાયેલા રીપોર્ટ મુજબ વિશ્વમાં દર પાંચમાંથી એક જણને આ તકલીફ વધતે-ઓછે અંશે છે. પાચન અને મળત્યાગ સાથે સંકળાયેલી આ સમસ્યાને જડમૂળથી દૂર કરવાનું ઘણુ જ અઘરૂ છે ત્યારે નેધરલેન્ડસની યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના નિષ્ણાંતોએ આશાનું કિરણ જન્માવ્યું છે. અભ્યાસકર્તાઓનું માનવુ છે કે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ સાઈકોસોમેટિક સમસ્યા છે અને એ માટે હિપ્નોથેરપી એટલે કે સંમોહનથેરપી કારગર નીવડી શકે છે. સંશોધકોએ નોંધ્યુ છે કે, હિપ્નોથેરપીની સારવારથી દર્દીઓને લગભગ નવ મહિના સુધી લક્ષણોમાં રાહત જોવા મળી છે. સંમોહનશાસ્ત્રની મદદથી દર્દીનું માઈન્ડસેટ બદલાય છે અને તે શરીરની આંતરિક મેકેનિઝમને સમજી શકે છે અને એ બદલાવથી ઓટોમેટિકલી આંતરડા અને પાચનની વ્યવસ્થા પરનો કંટ્રોલ વધે છે. નિષ્ણાતોના મતે ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ દરમ્યાન અન્ય દવાઓ દ્વારા મગજને શાંત કરવાને બદલે હિપ્નોથેરપીનો ઉપયોગ કરવામાં આવે તો અત્યંત ગંભીર કહેવાય એવા લક્ષણો પણ કંટ્રોલમાં આવી શકે છે.

(3:13 pm IST)