Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

જાપાનમાં ભારે વરસાદ બાદ જનજીવન ઠપ : ફ્લાઈટો રદ

મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓ અટવાઈ પડ્યા : ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદથી તંત્ર સાવધાન : વિનાશક પવન ફુંકાતા જનજીવનને અસર

ટોકિયો, તા. ૨૮ : જાપાનના જુદા જુદા ભાગોમાં અતિ ભારે વરસાદના પરિણામ સ્વરૂેપ જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મોટી સંખ્યામાં ફલાઈટોને રદ કરવામાં આવી છે. હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. જાપાનમાં વાવાઝોડા અને પુરના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. આ મહિનાની શરૂઆતમાં પુર અને ભેખડો ધસી પડવાના કારણે ભારે નુકસાન થઈ ચુક્યું છે. જાપાનના પેસિફિક દરિયાકાંઠા ઉપર ભારે વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાક ૭૬ માઈલ અથવા તો ૧૨૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો છે. ઘણી ફ્લાઈટોને રદ કરવામાં આવી ચુકી છે. નારીટા અને હાનેડા વિમાની મથકો પર મોટી સંખ્યામાં ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આ બે મુખ્ય એરપોર્ટ તરીકે રહેલા છે. ટોકિયો સિવાયના આ બે મુખ્ય એરપોર્ટ પર મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાયા હતા. જાપાનમાં મોટાભાગે સ્થાનિક ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. જ્યારે કેટલાક ઈન્ટરનેશનલ પ્રવાસીઓ જુદી જુદી જગ્યાઓ ઉપર અટવાઈ પડ્યા હતા. ભારે વરસાદ હજુ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગ તરફથી પશ્ચિમી જાપાનમાં ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં અતિ ભારે વરસાદ અને પુરના કારણે ૨૦૦થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. આ પ્રકારની જટિલ સ્થિતિમાંથી લોકો બહાર નીકળે તે પહેલા ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. સત્તાવાળાઓએ પ્રચંડ વાવાઝોડા પહેલા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિતપણે બહાર કાઢી લીધા હતા. જેના પરિણામ સ્વરૂપે ખુવારી ટળી ગઈ છે પરંતુ ભારે વરસાદના લીધે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બનેલું છે. જાપાનમાં રહેલા લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે. મધ્ય જાપાનમાં વધુ વરસાદ થવાની ચેતવણી જારી કરવામાં આવી છે.

(7:05 pm IST)