Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું નિયંત્રણ આવે તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલ સરહદ બંધ કરી શકે તેવી આશંકા

નવી દિલ્હી: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે જણાવ્યું કે, અમેરિકન સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતા સર્જાઈ શકે છે. જો અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ગયું તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે.

કુરૈશીએ જણાવ્યું કે, પાકિસ્તાન પહેલેથી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરણ આપી ચુક્યું છે પરંતુ હવે તે વધુ શરણાર્થીઓને નહીં સ્વીકારે. કુરૈશીએ મધ્ય મુલ્તાન શહેર ખાતે આયોજિત સંમેલનમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. કુરૈશીએ કહ્યું હતું કે, અમે વધુ શરણાર્થીઓ ન લઈ શકીએ, અમે અમારી સરહદ બંધ કરી દઈશું. અમારે અમારા રાષ્ટ્રીય હિતોની રક્ષા કરવાની છે. વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન દેશમાં શાંતિ માટેના રાજદ્વારી પ્રયત્નો ચાલુ રાખશે અને તેના લોકશાહીથી ચૂંટાયેલા નેતૃત્વનું સ્વાગત કરતું રહેશે.

1989ના વર્ષમાં તત્કાલીન સોવિયત સંઘની વાપસી બાદ મુજાહિદીન સમૂહો વચ્ચે છેડાયેલી આંતરિક લડાઈના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ ભાગીને પાકિસ્તાન આવ્યા હતા. અમેરિકામાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા હુમલા બાદ અમેરિકા નીત ગઠબંધને તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાંથી ઉખાડી ફેંક્યુ હતું.

(6:07 pm IST)