Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

ફેસબુકે આપી ચેતવણીઃ ફરી ડેટા થઇ શકે છે લીક

વોશિંગ્ટન તા. ૨૮ : સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે ફરી એકવખત પોતાના રોકાણકારોને ફરી ચેતવણી આપી છે કે ભવિષ્યમાં ડેટા લીક જેવી ફરી ઘટના સામે આવી શકે છે. આ મામલાના કારણે કંપનીની પ્રતિષ્ઠા અને છબીને નુકસાન પહોંચી શકે છે. ફેસબુકે અમેરિકાની સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ કમિશનને આપેલા એક રિપોર્ટમાં આ વાત જણાવી છે.

જો કે આ રિપોર્ટમાં કેમ્બ્રિજ એનાલિટિકાનું નામ લીધુ નથી. પોતાના રિપોર્ટમાં કંપનીએ કહ્યું છે કે સેફ્ટી અને કન્ટેટ રિવ્યુ માટે મોટી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. જેના કારણે ડેટાના ખોટા ઉપયોગ પર રોક લગાવી શકાશે. ફેસબુક મુજબ મીડિયા અને ત્રીજા પક્ષના કારણે આ ઘટનાઓ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી છે.

ફેસબુકે પોતાના રોકાણકારોને સાવચેત કર્યા છે કે આવી ઘટના ફરી થઇ શકે છે. કંપનીની પોલીસી વિરુધ્ધ ડેટાનો ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. કંપનીએ જણાવ્યું કે ચૂંટણી કેમ્પેઇન, ન ગમતી જાહેરાત અને ખોટી માહિતી ફેલાવવા માટે ડેટાનો ખોટો ઉપયોગ થઇ શકે છે. આવુ થવાથી આપણા યુઝર્સનો ભરોસો ઓછો થઇ શકે છે. કંપનીની બ્રાન્ડ ઇમેજને ધક્કો પહોંચી શકે છે અને તેની સીધી અસર વેપાર પર પડી શકે છે.(૨૧.૭)

 

(4:20 pm IST)