Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

માર્ક ઝુકરબર્ગને યુકેની સંસદીય સમિતિનું તેડું

લંડન તા. ૨૮ : યુકેની સંસદની મીડિયા કમિટીએ ફેસબૂકના સીઇઓ માર્ક ઝુકરબર્ગને પોતાની સમક્ષ ૨૪મી મેએ હાજર થવાનો આદેશ આપ્યો હતો.અગાઉ, યુકેના સાંસદોએ જણાવ્યું હતું કે ફેસબૂકના વપરાશકારોની માહિતી અન્યને આપવાના કૌભાંડના સંબંધમાં પૂછપરછ માટે બોલાવાયેલા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સવાલોના સંતોષકારક જવાબ આપી નહોતા શકયા.

ફેસબૂકના ચીફ ટેકિનકલ ઓફિસર માઇક સ્ક્રોફરે સમિતિના સભ્યો સમક્ષ કંપનીનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.માર્ક ઝુકરબર્ગને યુકેના સાંસદોની સમિતિ સમક્ષ હાજર થવાનો આદેશ અપાયો હોવા છતાં ફેસબૂકે એક ઇજનેરને જ લંડન મોકલ્યો હતો.સાંસદ જુલિયન નાઇટે કંપની પર પત્રકારોને ડરાવવાનો, શૈક્ષણિક સંસ્થાઓને ધમકી આપવાનો અને કાનૂની સત્તાવાળાઓની તપાસમાં વિઘ્ન ઊભું કરવાનો આરોપ મૂકયો હતો.

તેમણે ફેસબૂકને 'નૈતિકતાથી મુકત વિસ્તાર' ગણાવ્યો હતો.યુકેની સંસદની મીડિયા કમિટીના અધ્યક્ષ ડેમિયન કોલિન્સે ફેસબૂકના અધિકારીની ચાર કલાકથી વધુ પૂછપરછ કર્યા બાદ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ફેસબૂકના ચીફ ટેકિનકલ ઓફિસર માઇક સ્ક્રોફરે ફેસબૂકના ૮.૭ કરોડ વપરાશકારની માહિતીના કેમ્બ્રિજ એનાલિટીકા અને તેની સહયોગી કંપનીઓએ કરેલા દુરુપયોગ અંગે પુછાયેલા સવાલોના સંતોષકારક જવાબ નથી આપ્યા.(૨૧.૪)

(12:28 pm IST)