Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

આ ટીનેજર લોકોનાં નામ પાડીને સાડાત્રણ વર્ષમાં કમાઇ ૨.૭૬ કરોડ રૂપિયા

બીજીંગ તા ૨૮ :  આપણે ત્યાં ફોઇબા હરખપટુડા થઇને મફતમાં બાળકનું નામ પાડી આપે છે, પણ એમાંથીયે બિઝનેસ થઇ શકે એવો વિચાર તો આજકાલના ટીનેજરિયાઓને જ આવે. વિચાર આવે એટલું જ નહીં, એનો સફળ ધંધો બનાવીને કરોડો રૂપિયા કમાઇ લેવાની કળા ચીનમાં રહેતી ૧૯ વર્ષની બીયુ જેસઅપ નામની બહેને હસ્તગત કરી લીધી છે. ચાઇનીઝ પરંપરા સાથે ઉછરેલી બીયુને બાર-તેર વર્ષની ઉંમરે જ સમજાઇ ગયું હતું કે ચાઇનીઝ લોકોને બાળકોનાં નામ અંગ્રેજી પાડવાં છે, પણ તેમને યોગ્ય અર્થ ધરાવતા શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે. બીયુએ ભણવાની સાથે-સાથે અંગ્રેજી ભાષામાં માસ્ટરી મેળવી હતી, એટલે તેણે એક ઓનલાઇન સર્વિસ ખોલી  નાખી જે પેરેન્ટ્સને સંતાનોનાં અંગ્રેજી નામ પાડવાની કન્સલ્ટન્સી પ્રોવાઇડ કરે છે. દીકરાનું નામ ખાસ મતલબ ધરાવતું હોય અને અંગ્રેજીમાં બોલવામાં સરળ પડે એવું હોય એ માટે લોકો તેની પાસે આવવા લાગ્યા. બીયુથી એકલાથી પહોંચી ન વળાય એટલો કામનો ખડકલો થઇ જતાં તેણે બીજા લોકોને હાયર કર્યા અન. ૨૦૧૫માં કંપની ખોલી નાખી. તેની  કંપનીએ  સાડાત્રણ વર્ષમાં ૬,૭૭,૯૦૦ બાળકોના નામ પાડયાં છે અને અત્યાર સુધીમાં ૪ લાખ ડોલર એટલે કે લગભગ ૨.૭૬ કરોડ રૂપિયા રળી લીધા છે.

(3:55 pm IST)