Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચીનમાં થાય છે ટીમવર્ક અને એકાગ્રતાની કસોટી કરતી અનોખી બોર્ડ શૂરેસ

બીજીંગ,તા.૨૭ : ચીનમાં બોર્ડ શૂ રેસિંગ લોકલ સ્પોર્ટ્સમાં લોકપ્રિય સ્પર્ધા છે. બોર્ડ શૂ રેસિંગમાં બે લાંબા જૂતાંમાં એકની પાછળ એક એમ ત્રણ જણ પગ નાખીને દોડે છે. ચીનમાં મિંગ રાજાઓનું શાસન હતું એ દિવસોમાં ઘૂસણખોરી કરીને લૂંટ ચલાવતા જપાની ચાંચિયાઓ સામે લડવા માટે સૈનિકોને તાલીમ આપવા આ પદ્ઘતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. શુઆંગ પ્રાંતની લોકનેતા મિસિસ વા સૈનિકોને લાકડાના લાંબા ટુકડાનાં જૂતાં બતાવીને એક જોડી જૂતાં ત્રણ જણને પહેરાવતી હતી, જેથી ચાંચિયાઓ પાછળ દોડવા કે તેમને પકડવા માટે એકસાથે અનેક સૈનિકો સમન્વયપૂર્વક સાથે દોડી શકે. એ પદ્ઘતિનો ઉપયોગ આક્રમણ અને બચાવ બન્ને બાબતોમાં કરવામાં આવતો હતો. ત્યાર પછી એ ટ્રેઈનિંગ-સિસ્ટમને સ્થાનિક લોકોએ ટ્રેડિશનલ સ્પોર્ટ તરીકે અપનાવી લીધી. એ બોર્ડ શૂ માટેનું લાકડું કે સોલ ૯ સેન્ટિમીટર પહોળાં અને ૩ સેન્ટિમીટર જાડાં હોય છે. ત્રણમાંથી એક જણ વધારે જોર કરવા જાય તો એ ગબડી પડતાં ત્રણેય પડી જાય છે. એથી એકબીજાની શકિત અને ક્ષમતાનો તાગ મેળવીને સમન્વયથી દોડવું અનિવાર્ય બને છે. ચીનના નેશનલ સિવિલ અફેર્સ કમિશને ૨૦૦૫ થી નેશનલ માઇનોરિટી ટ્રેડિશનલ સ્પોર્ટ્સ ગેમ્સના વાર્ષિક આયોજનમાં ઓફિશ્યલ ઇવેન્ટ તરીકે બોર્ડ શૂ રેસિંગને માન્યતા આપી હતી.

(11:30 am IST)