Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

યુક્રેન રશિયાના સરહદી વિસ્તારમાં હુમલો કરી રહ્યું હોવાનો રશિયાએ કર્યો દાવો

નવી દિલ્હી:  રશિયાએ દાવો કર્યો છે કે તેના સરહદી વિસ્તારોમાં યુક્રેન દ્વારા હુમલા થઈ રહ્યા છે. યુક્રેન દ્વારા છોડવામાં આવતા તોપગાળા તેના સરહદી વિસ્તારોના ગામોમાં પડતા  ત્યાં ભય વ્યાપી ગયો છે. આ ઉપરાંત રશિયાએ બેલારુસમાં વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો ગોઠવવાની જાહેરાત કરી છે. જ્યારે બખમુત જીતનારા વેગનર આર્મીના વડાએ જણાવ્યું હતું કે અમે અમારા ૨૦ હજારથી વધારે લડવૈયા ગુમાવ્યા છે. રશિયાના યુક્રેનની સરહદે અડીને આવેલા વિસ્તાર બેલગોરોડમાં યુક્રેનના તોપગોળા, મોર્ટાર શેલ અને ડ્રોન હુમલા કરી રહ્યા હોવાનો રશિયાએ દાવો કર્યો છે. યુક્રેને ગયા વર્ષે વળતો પ્રહાર કરીને રશિયા પાસેથી સરહદી વિસ્તાર જીતવામાં સફળતા મેળવતા તે બેલગોરોડ ખાતે રશિયાની સરહદની નજીક પહોંચી ગયું છે. આ દરમિયાન રશિયાએ મધ્ય યુક્રેનના દનીપ્રો પ્રાંતમાં મિસાઈલ હુમલો કરતા બેના મોત થયા હતા અને ૩૦થી વધુને ઇજા થઈ હતી. તેમા બે બાળકોનો સમાવેશ થાય છે. રશિયાના સરહદી વિસ્તાર  બેલગોરોડનું ગ્રેઇવોરોન ટાઉન યુક્રેન સરહદથી સાત કિ.મી. દૂર આવેલું છે. આ શહેર પર કેટલાક કલાક સુધી તોપમારો ચાલ્યો હતો. તેના લીધે ચાર મકાનો, સ્ટોર, કાર અને ગેસ પાઇપલાઇનને નુકસાન થયું હતું. યુદ્ધ શરૂ થયા પછીનો યુક્રેન પહેલી વખત રશિયાની અંદરના વિસ્તારોમાં આટલો મોટો હુમલો કરી શક્યું હતું. રશિયાના પ્રમુખ પુતિને આ વર્ષે ટૂંકી રેન્જના પરમાણુ મિસાઇલ બેલારુસમાં ગોઠવવાની જાહેરાત કરી હતી, પણ ક્યારે ગોઠવશે તે જણાવ્યું ન હતુ. હવે પુતિને જણાવ્યું છે કે પહેલી જુલાઈ સુધીમાં મિસાઇલ ગોઠવવાનું કામ પૂરુ કરી લેવાશે. જો કે તેનો અંકુશ ક્રેમલિન પાસે રહેશે.

 

(6:18 pm IST)