Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

દક્ષિણ કોરિયામાં એશિયાના એરલાઇન્સમાં એક મુસાફરે હવામાં વિમાનનો દરવાજો અચાનક ખોલી નાખતા દોડધામ મચી જવા પામી

નવી દિલ્હી: શુક્રવારે દક્ષિણ કોરિયામાં એશિયાના એરલાઈન્સની ફ્લાઈટમાં એક મુસાફરે હવામાં ઉડતા વિમાનનો દરવાજો અચાનક ખોલી નાખ્યો. ફ્લાઇટને લેન્ડ થવામાં માત્ર 2 મિનિટ જ બાકી હતી ત્યારે પેસેન્જરે ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો હતો. આ ગેટ ખોલનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. તેણે  પોલીસને જણાવ્યું કે થોડા સમય પહેલા તેની નોકરી છૂટી ગઈ હતી, જેના કારણે તે પરેશાન હતો. આ કારણે તેણે દરવાજો ખોલ્યો. રિપોર્ટ અનુસાર શુક્રવારે જ્યારે પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે એશિયાના એરલાઈન્સના પ્લેનમાં સવાર એક પેસેન્જરે ઈમરજન્સી દરવાજો ખોલી નાખ્યો, જેના પછી મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. જોકે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, પરંતુ ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એશિયાના એરલાઈને કહ્યું કે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે નુકસાન થયું નથી. મુસાફરને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર નવ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે એરબસ A321-200 સિયોલથી લગભગ 240 કિમી દક્ષિણપૂર્વમાં ડેગુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટમાં લગભગ 200 મુસાફરોને લઈ જઈ રહ્યું હતું. જ્યારે એરક્રાફ્ટ જમીનથી આશરે 200 મીટર (650 ફૂટ) ઉપર હતું, ત્યારે ઈમરજન્સી દરવાજા પાસે બેઠેલા એક મુસાફરે જાતે જ દરવાજાનું લીવર ખોલી નાખ્યું હતું.  ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દરવાજો ખૂલ્યા બાદ મુસાફરો કેવી રીતે બૂમો પાડી રહ્યા છે. ફૂટેજમાં, મધ્ય હવામાં ખુલ્લા દરવાજા દ્વારા પ્લેનની અંદર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને મુસાફરોના વાળ ખરાબ રીતે ઊડી રહ્યા હતા. આ સારી વાત છે કે કોઈ મોટી દુર્ઘટના નથી થઈ, પ્લેનને સમયસર સુરક્ષિત લેન્ડ કરાવવામાં આવ્યું.

 

(6:18 pm IST)