Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કોરોના વાયરસના પ્રકોપથી જાપાનમાં એપ્રિલ મહિના સુધી શાળાઓમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: કોરોના વાયરસનાં વધતા પ્રકોપ વચ્ચે જાપાનમાં તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે. જાપાનનાં વડાપ્રધાન શિંજો આબેએ તમામ પ્રાથમિક, જુનિયર હાઈસ્કૂલ અને હાઈસ્કૂલોને સોમવારથી વેકેશન જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ ઉનાળાની રજાઓના અંત એટલે કે એપ્રિલ સુધી બંધ રાખવા આદેશ અપાયો છે. આબેએ કોરોના વાયરસ પ્રકોપ સંકટ પર કેબિનેટ બેઠકમાં જણાવ્યું હતું કે તમામ વિસ્તારોમાં બાળકોને સંક્રમણ ફેલાતું અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આગામી એક અથવા બે અઠવાડિયા ખુબ જ મહત્વપૂર્ણ છે.

કેબિનેટ બેઠકમાં જાપાનનાં પ્રધાનમંત્રી શિંજો આબેએ જણાવ્યું હતું કે સરકાર બાળકોનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. જાપાનમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ડાયમંડ પ્રિન્સેસ જહાજનાં 700 સંક્રમિત લોકોને બાદ કરતાં જાપાનમાં 200થી વધુ લોકોમાં આ રોગ ફેલાયો છે. આ ઉપરાંત હોક્કાઇડોમાં 1600 પ્રાથમિક અને જુનિયર હાઈસ્કૂલોમાં કોરોના વાયરસને પગલે અઠવાડિયાની રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

(6:29 pm IST)