Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

હાર્ટ-બર્નને હળવાશમાં લેશો તો પ્રૌઢાવસ્થામાં

કેન્સર થવાની સંભાવના વધશે

ન્યુયોર્ક તા. ર૬: લાંબા સમય સુધી છાતીમાં બળતરા કે એસિડિટી થતી હોય અથવા ખાટા ઓડકાર આવ્યા કરતા હોય તો પાછલી જિંદગીમાં એ બાબતે સભાન રહેવું જરૂરી છે. એસિડિટીની દવાઓ લઇને લક્ષણો દબાવ્યા પછીયે જો વારંવાર એનો ઉથલો માર્યા કરતો હોય તો આવા દરદીઓમાં લાંબા ગાળે કેન્સર થવાની સંભાવના રહે છે. એસિડ રિફલકસને કારણે ગળાનું, ટોન્સિલ્સનું કે અન્નનળી, જઠર જેવા ઉપરના પાચનતંત્રના કેન્સરનું રિસ્ક વધે છે. મેકિસકોના ન્યુ ઓર્લીનમાં આવેલી યુનિવર્સિટીના નિષ્ણાતોએ એવરેજ ૬૬ કે એથી વધુ વયના કેન્સરના ૧૩,૮૦પ દરદીઓનો અભ્યાસ કર્યો હતો. આટલી જ સંખ્યામાં કેન્સર ન હોય એવા સ્વ્સ્થ લોકોનો પણ હેલ્થનો ડેટા તપાસવામાં આવ્યો હતો. આ બન્ને ગ્રુપના લોકોની હેલ્થનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે જે લોકોને ગેસ્ટ્રોએસોફગલ રીફલકસ ડિસીઝ હોય, એસિડિટીને કારણે છાતીમાં બળતરાની સમસ્યા લાંબા સમયથી હોય તેમને અન્નનળી, મોં, ગળા અને ટોન્સિલ્સનું કેન્સર થયું હોવાની સંભાવના વધી હતી.

અભ્યાસકર્તાઓનું કહેવું છે કે એસિડિટી અને હાર્ટ-બર્નની સમસ્યા પાચનતંત્રની ખરાબીનું પ્રાથમિક લક્ષણ છે. જોકે આ લક્ષણને ટેમ્પરરી દવાઓથી ડામી દેવામાં આવે એના કરતાં ડાયટ-ચેન્જ દ્વારા પાચન સુધારવામાં આવે એ જરૂરી છે. સાદી સમસ્યા લાંબા ગાળે ખતરનાક રોગનું સ્વરૂપ ધારણ ન કરે એ માટે હાર્ટ-બર્ન થાય ત્યારે જ જાગી જવું બહેતર છે.

(12:03 pm IST)