Gujarati News

Gujarati News

News of Wednesday, 26th October 2022

યુક્રેનની સેના ખેરસોન પ્રાંત રશિયાના કબ્જામાંથી કરાવી શકે છે મુક્ત

નવી દિલ્હી: ખેરસન શહેરમાં રશિયાનો પરાજય નિશ્ચિત છે, એવો દાવો લોર્ડ ડેનેટે કર્યો છે. બ્રિટનના ભૂતપૂર્વ સશસ્ત્ર દળના વડાનું કહેવું છે કે ખેરસન રશિયાના હાથમાંથી હવે ગમે ત્યારે સરકી શકે છે. આ વાતનો જાણે પુરાવો આપતા હોય તેમ રશિયાએ ખેરસનમાંથી તેના નાગરિકોને ક્રીમિયે ખસેડવા પડયા છે. પુતિનના દળો ખેરસનમાં ખુવારી ટાળવાના બદલે ત્યાંથી નીકળી જવાની ફિરાકમાં જ છે. યુક્રેનના દળોના વળતો પ્રહારનો સામનો કરવા તે તૈયાર નથી.  ગયા મહિને ખાર્કિવમાં હારતા રશિયાની સ્થિતિ વધુ નબળી થઈ છે.તેથી રશિયા હવે ખાર્કિવનો મોરચો મજબૂત કરવામાં લાગેલું છે, જેથી તેની મુખ્ય સપ્લાય લાઇન જળવાઈ રહે. આ માટે કદાચ તે જરુર પડે તો ખેરસનનો ભોગ આપી શકે છે. આ સ્થિતિ ભાંપી ગયેલા દેશના બુદ્ધિજીવીઓ પશ્ચિમ સાથે મળીને આ યુદ્ધનો અંત લાવવા માંગે છે. તેઓને હવે લાગવા માંડયુ છે કે તેઓ યુદ્ધ હારી જશે, એમ યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સ બ્રાન્ચના હેડ કિરિલ્યો બુડાનેવે જણાવ્યું હતું. યુક્રેનના મિલિટરી ઇન્ટેલિજન્સના વડાનો દાવો છે કે રશિયા પરાજય ભણી ધકેલાઈ ગયું હોવાથી પુતિનના હાથમાંથી સત્તા સરકી રહી છે અને આ સત્તા સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી નિકોલાઈ પત્રુશેવ અને વ્લાડીમીરની સ્થાનિક નીતિઓના વડા સર્ગેઈ કિરિયેન્કો પાસે જઈ શકે છે. રશિયા યુક્રેનના યુદ્ધમાં હાલમાં બેકફૂટ પર છે. રશિયા પરાજય ભાળી ગયું હોવાથી યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવી રહ્યું છે. રશિયા હવે પોતાનું નાક બચાવવા માટે વાટાઘાટ કરવા માંગે છે. આ માટે તેના બુદ્ધિજીવીઓને પશ્ચિમમાં દોડાવ્યા છે.

 

(6:03 pm IST)