Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

વેનેઝુએલામાં હિંસા વધી જતા સરહદી વિસ્તારના હજારો લોકોને કોલંબિયામાં ઘૂસવાની નોબત આવી

નવી દિલ્હી: વેનેઝુએલામાં હિંસા વધી જતાં સરહદી વિસ્તારના હજારો લોકોએ કોલંબિયામાં ઘૂસણખોરી કરી છે. કોલંબિયન ઓથોરિટીએ આ લોકોની ઓળખ કરીને સરહદે કામચલાઉ આશ્રય આપવાનું પણ શરૃ કર્યું છે. એમાં બાવન ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. વેનેઝુએલાની સરહદે વેનેઝુએલાના લશ્કર અને કોલંબિયાના જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ તો આ સંઘર્ષ છેલ્લાં ૫૬ વર્ષથી ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લાં બે સપ્તાહથી હિંસાનું પ્રમાણ વધી ગયું હતું. વેનેઝુએલાના સરહદી વિસ્તારોમાં સ્થિતિ વધારે હિંસક બની જતાં સ્થાનિક લોકો ભાગીને કોલંબિયાની હદમાં આવી ગયા હતા. કોલંબિયન ઓથોરિટીના કહેવા પ્રમાણે છેલ્લાં ચાર દિવસમાં વેનેઝુએલાથી કોલંબિયામાં આવેલા ૩૧૦૦ લોકોની ઓળખ થઈ હતી. એમાં ૮૫૮ બાળકો, બાવન ગર્ભવતી મહિલાઓ અને ૧૩૪ વૃદ્ધોનો સમાવેશ થતો હતો. ગર્ભવતી મહિલાઓને સરહદે સારવાર આપવામાં આવી રહી હોવાનો દાવો કોલંબિયન આર્મીના અધિકારીઓએ કર્યો હતો.

(6:06 pm IST)