Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

આ યુવતી રાતોરાત બની ગઇ સ્ટાર

આ યુવતીની સુંદરતાના દીવાના થયા લોકો, એડ એજન્સીઓ આપી રહી છે ઓફર

લંડન તા. ૨૫ : સોશિયલ મીડિયા હવે એક એવું પ્લેટફોર્મ બની ચૂકયું છે, જયાં જે કંઈ પણ વાઇરલ થઈ જાય તો તે હિટ થઈ જાય છે. હિટ ન પણ થાય તો ચર્ચામાં જરૂર રહે છે. આવું જ કંઈક સુડાનની આ યુવતી સાથે થયું છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહી છે. યુવતીની સુંદરતા પાછળ ઘણી એડ એજન્સીઓ આકર્ષાઈ છે અને તેને સાઇન કરવા માગે છે. ત્રણ એજન્સી તેની સાથે કોન્ટ્રેકટ સાઇન કરવામાં સફળ થઈ છે.

સુડાનની આ યુવતીનું નામ અનોક યાઈ છે, જેની ઉંમર ૨૦ વર્ષ છે. અનોક પ્લેમાઉથ સ્ટેટ યુનિવર્સિટીમાં બાયો કેમિસ્ટ્રીની વિઘાર્થિની છે, જે અમેરિકાની વોશિંગ્ટન હાવર્ડ યુનિવર્સિટીના હોમકમિંગ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી હતી, જયાં ફોટોગ્રાફરે તેની તસવીર લીધી હતી. ફોટોગ્રાફરે અનોકની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ theSUNK પર પોસ્ટ કરી હતી અને જોતજોતામાં અનોકની તસવીરોને હજારો લાઇકસ મળી ગઈ.

યાહૂ સાથે વાત કરતા અનોક કહે છે કે, 'ફોટોગ્રાફરે મને કહ્યું હતું કે, મારી તસવીરો એટલી સુંદર છે કે તે વાઇરલ થઈ શકે છે, પણ ત્યારે મેં તે વાતો તરફ વધુ ધ્યાન આપ્યું નહોતું.' અનોકના મુજબ પાર્ટીમાંથી પરત ફર્યા બાદ જયારે તે ઘરે ગઈ તો તેના ફોન પર ઘણા મેસેજીસ આવ્યા હતા. તેને સમજાતું નહોતું કે, આખરે લોકો તેની તસવીરો કેમ લાઇક કરી રહ્યા છે.

અનોક કહે છે કે, ફોટોઝ વાઇરલ થતા પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તેના ૧૫૦ ફોલોઅર્સ હતા, પણ બાદમાં તેની સંખ્યા સતત વધતી ગઈ. ઘણા લોકો તેની તસવીરો મોડલિંગ એજન્સીઝને ટેગ કરી તેને હાયર કરવા રિકવેસ્ટ કરી રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે, તે હવે મોડલ બની ચૂકી છે.

(12:09 pm IST)