Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

૯૦ ચીની અણુવિજ્ઞાનીઓએ અંતે રાજીનામાં ધરી દીધાં

ઘટનાને બ્રેઈન ડ્રેઈન ગણાવીને તપાસનો આદેશ : આ તમામ વિજ્ઞાનીઓ દેશત્યાગ કરીને કશેક ચાલ્યા તો નથી જવાના ને એવી શંકા પણ શાસક પક્ષના મનમાં જાગી

બેઈજિંગ, તા. ૨૫ : ચીનમાં એક નવો વિવાદ સર્જાયો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અખબારના એક અહેવાલ પ્રમાણે ચીનના સરકારી અણુમથકના એક સાથે ૯૦ અણુવિજ્ઞાનીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં. વિજ્ઞાનીઓનો એવો આક્ષેપ છે કે સરકાર અમારા પર દબાણ વધારી રહી હતી.

ચીનના કોમ્યુનિસ્ટ પક્ષે સામૂહિત રાજીનામાંને બ્રેઇન ડ્રેઇન (બૌદ્ધિક લોકોના સ્થળાંતરનું કાવતરું) ગણાવીને ઉચ્ચકક્ષાએ એની તપાસ યોજવાનો આદેશ આપ્યો હતો.

ચીનના સર્વોત્તમ બૌદ્ધિક વિજ્ઞાનીઓ પાસે ચીનની અણુશક્તિ અને અણુશસ્ત્રો વિશે કેટલીક સંવેદનશીલ માહિતી છે એટલે સામૂહિક રાજીનામાંને સરકાર આંતરરાષ્ટ્રીય કાવતરું હોવાનું માનતી હતી. તમામ વિજ્ઞાનીઓ દેશત્યાગ કરીને કશેક ચાલ્યા તો નથી જવાના ને એવી શંકા પણ શાસક પક્ષના મોવડીઓના મનમાં જાગી હતી.

ચીનની પૂર્વ દિશામાં હેફેઇ શહેરમાં ઇન્સ્ટીટ્યુટ ઑફ ન્યૂક્લીયર એનર્જી સેફ્ટી ટેક્નોલોજી (INEST) નામની સંસ્થા આવેલી છે. સંસ્થા સાથે સંકળાયેલા એક સાથે નેવું વિજ્ઞાનીઓના રાજીનામાં ચીની મિડિયામાં હેડલાઇન ચમકાવી ગયા હતા. વાતને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ મળે અને વધુ ચર્ચા થાય પહેલાં કોમ્યુનિસ્ટ પાર્ટીના વડાઓ વાતનો બનતી ત્વરાએ અંત લાવી દેવા ઉત્સુક જણાતા હતા. સંસ્થા હેફેઇ ઇન્સ્ટીટ્યુટ ઑફ ફિઝિકલ સાયન્સીઝના હિસ્સા તરીકે કામ કરે છે. હેફેઇ ઇન્સ્ટીટ્યુટ ચીની સરકારની માલિકીની ચાઇનીઝ એકેડેમી ઑફ સાયન્સીઝ હેઠળ કાર્યરત છે.

INEST સંસ્થા એડવાન્સ્ડ ન્યૂક્લીયર એનર્જી એન્ડ સેફ્ટી ટેક્નોલોજીમાં માહિર છે અને દેશના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય  પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. એેટલે ચીનની ઘણી અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ બાબતોથી વાકેફ છે. INESTમાં કુલ ૬૦૦ વિજ્ઞાનીઓ કામ કરે છે જેમાંના મોટા ભાગના પીએચ.ડી.ની ડિગ્રી ધરાવતા ટોચના બૌદ્ધિકો છે. ગયા વરસે સંસ્થાએ વર્ચ્યુઅલ ન્યૂક્લીયર પાવર પ્લાનેટ તૈયાર કર્યો હતો જેના પર સમગ્ર વિશ્વની સંસ્થાઓની નજર હતી.

(9:30 pm IST)