Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

બ્રિટનમાં શરૂ થઇ વિશ્વની પહેલવહેલી હેર બેન્ક

લંડન તા. ર૪: મિડલ-એજ પછી માથે ટાલ પડવાની સમસ્યામાં ખૂબ વધારો થઇ રહ્યો છે ત્યારે બ્રિટનના માન્ચેસ્ટરમાં હેર બેન્ક શરૂ થઇ છે. આ બેન્ક વાળને ફ્રીઝ કરીને રાખે છે જેને જરૂર પડે ત્યારે ફરીથી માથામાં લગાવી શકાય છે એવો દાવો થઇ રહ્યો છે. યુવાનીમાં તમારા માથે જયારે સ્વસ્થ મજાના વાળ હોય ત્યારે એનો ચોકકસ નમૂનો આ બેન્કમાં ફ્રીઝ કરાવી લેવાનો. અલબત્ત, એ માટે જે રકમ ચૂકવવી પડે છે એ પણ ટાલ પાડી દે એટલી મોટી છે. લગભગ અઢી લાખ રૂપિયાનો ખર્ચ કરો તો તમારા યુવાનીના વાળને આ બેન્ક સાચવી રાખે છે. આ વાળનું કલોનિંગ કરીને થોડાક વર્ષ પછી ફરીથી માથામાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. દાવો તો એવો થઇ રહ્યોછ ે કે આ રીતે ઉગાડેલા વાળ યુવાની કરતાંય વધુ મજબૂત હોય છે. બ્રિટનમાં ૬પ લાખ પુરૂષો આંશિક કે સંપૂર્ણ ટાલનો ભોગ બનેલા છે. ટાલ પ્રિવેન્ટ કરવા માટે તેમ જ ખરતા અટકાવવા માટેની જે દવાઓ વપરાય છે એની બીજી પણ ઘણી સાઇડ ઇફેકટ્સ છે. બીજી તરફ હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા વધુ મોંઘી અને અચોકકસ પરિણામ આપનારી છે.

હેર બેન્ક કઇ રીતે કામ કરે?

આ બેન્કમાં માથાના ૧૦૦ વાળને એના જડ સાથે કાઢીને સંભાળી રાખવામાં આવે છે. એને માઇનસ ૧૮૦ ડિગ્રી પર ફ્રીઝ કરી રાખવામાં આવે છે. એ વાળ પાતળા થઇ જાય એટલે એમાંથી કોષો કાઢીને અલગ કરવામાં આવે છે. એક વય પછી જયારે નવા વાળ ઉગવાનું બંધ થઇ જાય ત્યારે આ કોષોના કલોન બનાવીને  માથામાં  રોપણ  કરવામાં આવે છે.

(11:38 am IST)